અમદાવાદ : સામાન્ય રીતે પોલીસ મથકોમાં જુદી જુદી કામગીરી માટે સ્ક્વોડ કાર્યરત હોય છે,પરંતુ જ્યારથી ડીજી વિજિલન્સ દ્વારા ધડાધડ રેડ પાડવામાં આવી રહી છે.જેના કરાણે અનેક પોલીસ મથકના અધિકારીઓની પોલીસ ખુલી ગઇ છે.ખરેખર તો સ્થાનિક પોલીસની રહેમ નજર અથવા આંખ આડા કાન કરવાની વૃત્તિને કારણે અસામાજિક અને માથાભારે તત્વો માથું ઉંચકતા હોય છે અથવા તો ગેરકાયદે પ્રવૃત્તિ કરતા હોય છે.પોલીસ-બુટલેગરની ગોઠવણ ખુલ્લી પાડવા માટે ડીજી વિજિલન્સ સ્કવોડની રચના કરવામાં આવતી હોય છે,પરંતુ હવે ઉલટી ગંગા વહેતી હોય તેમ કેટલાક પોલીસ મથકોમાં વિજિલન્સ પર‘વોચ’રાખવા એક સ્ક્વોડ તૈયાર કરવામાં આવી છે.આ ટીમનું કામ માત્ર પોતાના પોલીસ મથકની હદમાં વિજિલન્સની ટીમ ફરતી તો નથી ને?તેનું ધ્યાન રાખવાની છે.જો વિજિલન્સ ટીમની હીલચાલ મળે તો તરત જ પોતાના પોલીસ મથકના સભ્યોને એલર્ટ કરી દેવાની જવાબદારી સોંપવામાં આવી છે!
અમદાવાદ સિનિયર પોલીસ અધિકારીઓના અમદાવાદમાં દારૂ-જુગારના અડ્ડાઓ બંધ કરવામાં આવ્યા હોવાના દાવા વચ્ચે ડીજી વિજિલન્સમાં કે.ટી.કામરિયા અને નિર્લિપ્ત રાયની એન્ટ્રી થઇ છે અને અમદાવાદ શહેરમાં દારૂ-જુગારની બદીને ડામવા રોજે રોજ રેડ પડી રહી છે.ડીજી વિજિલન્સની ટીમ જે રીતે રેડ કરવા લાગી છે તે જોતાં હવે છેવાડાના પોલીસ મથકોમાં જ્યાં પોસ્ટીંગ માટે ટેન્ડર ભરાતા હતા ત્યાં પોલીસ ઇન્સ્પેક્ટરો પોસ્ટીંગ લેતાં પણ ડરી રહ્યા છે.રોજે રોજ વિજિલન્સની રેડના સમાચારથી પોલીસની પોલ ખુલી રહી છે ત્યારે હવે કેટલાક પોલીસ મથકોના અધિકારીઓએ તેનો રસ્તો શોધી કાઢ્યો છે અને પોલીસ મથકના ચોક્કસ માણસોનો વિજિલન્સ પર વોચ રાખવાની ડ્યૂટી સોંપી હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે.ડીજી વિજિલન્સે માત્ર દારૂ-જુગારના અડ્ડાઓ પર જ નહિ,પરંતુ કેમીકલ ચોરી,સળિયા ચોરી અને રેતી ચોરીના કૌભાંડનો પણ પર્દાફાશ કર્યો છે.આ કામગીરીની સામાન્ય લોકો ખુશ છે,પરંતુ આંખ મિચામણાં કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.


