અમદાવાદ : ઉદ્યોગ સંસ્થાઓ એસોચેમ,CII,ફિક્કી અને યુએસ ઇન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ફોરમે નાણાં મંત્રાલય સમક્ષ માંગ કરી છે કે ત્રણ વર્ષથી ઓછા સમય માટે ભારતના નાગરિકના હોય તેવા વિદેશી વ્યક્તિઓને ઇન્કમ ટેક્સમાં રાહત આપવામાં આવે.ભારતને સીધા વિદેશી રોકાણ માટે આકર્ષક સ્થાન બનાવવા માટે આ રજૂઆત રવામાં આવી છે.
પ્રસ્તાવ અનુસાર સીધું વિદેશી રોકાણ કરનારા અથવા તેનું મેનેજમેન્ટ કરવા માટે વિસ્તૃત સમયગાળા માટે ભારતમાં રહેતા વિદેશી વ્યક્તિઓની સ્થાનિક આવક ઉપર જ ટેક્સ લગાવવો જોઈએ. ફિક્કીના મહાસચિવ દિલીપ ચેનોયે જણાવ્યું હતું કે ચીન અને સિંગાપોરમાં આ પોલિસીથી સારા પરિણામ મળ્યા છે અને તેનાથી તેઓને પોતાની જીડીપીના 4 ટકા એફડીઆઈ મેળવવામાં મદદ મળી છે.ચેનોયે જણાવ્યું હતું કે ભારતે વર્તમાન નીતિઓને કારણે પ્રતિકૂળરૂપથી પ્રભાવિત થનાર રોકાણકારો માટે રેસિડેન્ટ પોલિસીના નિયમોની સમીક્ષા કરવા માટે ઝડપથી કામ કરવું પડશે.
બીજી તરફ એસોચેમમાં મહાસચિવ દિપક સુદે જણાવ્યું હતું કે વિસ્તૃત સમયગાળા માટે ભારતમાં રહેનાર પ્રવાસીઓ માટે અનુકૂળ માહોલ બનાવવાની જરૂરિયાતો પર ભાર આપવામાં આવ્યો છે. આ માટે હવે કેન્દ્રએ સ્થાનિક સ્તરે થતી આવક પર જ વિદેશીઓને ટેક્સ ભરવો પડે તેવી જોગવાઈ કરવી પડશે. CIIએ જણાવ્યું હતું કે આ પગલાથી FDIને કારણે આર્થિક પ્રવુતિઓ અને ટેક્સ કલેક્શનમાં વૃદ્ધિ થઇ શકે છે.વર્તમાન સમયમાં વિદેશીઓ ભારતમાં એક વર્ષ દરમિયાન 182 દિવસથી વધુ સમય રહે તો તેમની વૈશ્વિક આવક ઉપર ટેક્સ લાગે છે તેમજ 4 વર્ષથી વધુ રહે તો તેમને નિવાસી માનવામાં આવે છે.


