અમદાવાદ, તા. 21 માર્ચ 2022 સોમવાર : વિદેશ જવાના ચક્કરમાં મામા-ભાણાએ રૂ.6.40 લાખ ગુમાવ્યા હતા.એજન્ટ છેલ્લા બે વર્ષથી રૂપિયા લઈને કેનેડાના વિઝા અને વર્ક પરમીટ માટે વાયદા કરતો હતો.એજન્ટે ફોન ઉપાડવાનું બંધ કરતા તેના ઘર અને ઓફિસે તપાસ કરી હતી.એજન્ટ બન્ને જગ્યાએથી ફરાર હોવાની જાણ થતાં નારણપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
મણીનગરની ઇશ્વરનગર સોસાયટીમાં રહેતાં નિસર્ગ હર્ષદ પટેલે નારણપુરા પોલીસ સ્ટેશનમાં આરોપી હર્ષિલ ઘનશ્યામ પટેલ રહે,સુંદરવન એપાર્ટમેન્ટ, પારસનગર,બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસે,નારણપુરા વિરૂધ્ધ ફરિયાદ કરી છે.જે મુજબ નિસર્ગની મુલાકાત મિત્રોના રેફરન્સથી હર્ષિલ સાથે 2018માં અંકુર ચાર રસ્તા પાસે થઇ હતી.હર્ષિલ પોતાની ઓફિસ ડ્રાઈવઈન રોડ પર પંજાબ હોન્ડા શોરૂમ પાસે ઉડાણ હોલી-ડે ના નામે મારુતિ કોમ્પ્લેક્સમાં હોવાનું કહ્યું હતું.કપલને કેનેડા વર્ક પરમીટ સાથે વિઝા કરી આપવાના રૂ.3 લાક કીધા હતાં.
નવેમ્બર,18માં ત્રણ લાખ આપ્યા પેટે હર્ષિલે પહોંચ આપી હતી.જો 6 માસમાં કામ ના થાય તો રકમ પરત તેવી બાંહેધરી આપી ચેક આપ્યો હતો.તે પછી નવેમ્બર,2019માં હર્ષિલે એમ્બેસી ફી વધી હોવાનું કહી બીજા 40 હજાર લીધા હતા.નિસર્ગને ઓક્ટોબર,2021માં વિઝા માટે દિલ્હી ખાતે બાયોમેટ્રિક એપોઇન્ટમેન્ટ લેટર હર્ષિલે આપ્યો પણ બીજા ડોક્યુમેન્ટ આપ્યા ન હતા.નિસર્ગના મામા તેજસ પટેલે પણ હર્ષિલને વિઝા માટે ત્રણ લાખ રૂપિયા આપ્યા હતા.તેઓ સાથે નિસર્ગએ વાત કરતા તેમણે પણ બાયોમેટ્રિક એપોઇન્ટમેન્ટ આપી હતી પણ બીજા ડોક્યુમેન્ટ આપ્યા ન હતા.આથી મામા-ભાણાને શંકા જતા એજન્ટ પાસે પૈસા પરત માંગ્યા હતા.
હર્ષિલે રકમ પરત કરવાનું જણાવ્યા બાદ થોડા દિવસ પછી ફોન સ્વિચ ઑફ કરી દીધો હતો.મામા-ભાણાએ હર્ષિલની ઓફિસે અને ઘરે તપાસ કરી પણ તે ગાયબ હતો.આખરે નારણપુરા પોલીસ સ્ટેશનમાં ઠગ એજન્ટ વિરુદ્ધ રૂપિયા 6.40 લાખની ઠગાઈની ફરિયાદ નોંધાવી હતી.