– નવેમ્બરના અંત સુધીમાં ચૂંટણી પૂર્ણ થવાનું નિવેદન આપ્યું
– ગયા વર્ષ 2012 અને 2017માં તો ડિસેમ્બરની 12મી તારીખે ચૂંટણી હતી : પાટીલ
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને ગણતરીના મહિના બાકી છે.ત્યારે રાજકારણમાં પણ ગરમાવો જોવા મળી રહ્યો છે.બીજી બાજુ વિધાનસભાની ચૂંટણીને લઈ કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ બે દિવસના ગુજરાત પ્રવાસે આવી છે.તેવામાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા ચૂંટણીને લઈને એક મોટું નિવેદન આપ્યું છે.મળતી માહિતી અનુસાર, આજરોજ આણંદ જિલ્લાના નવા કાર્યાલય કમલમના લોકાર્પણ બાદ જિલ્લા પેજ સમિતિ સ્નેહ મિલન સભા યોજાઈ હતી.જેમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને મોટું નિવેદન આપ્યું છે.સી.આર પાટીલે કાર્યક્રમમાં નિવેદન આપ્યું છે કે, ભારતીય જનતા પાર્ટી પોતાનો સેવા કરવાનો મંત્ર નિભાવી રહી છે.નવેમ્બરના અંત સુધીમાં આ વખતે ચૂંટણી પૂરી થઈ જાય તેવું મને લાગી રહ્યું છે.અંત સુધીમાં તો ચૂંટણી પૂરી થઇ જાય એવુ મને લાગે છે.ગયા વખતે વર્ષ 2012 અને 2017માં તો ડિસેમ્બરની 12મી તારીખે ચૂંટણી હતી.આ વખતે 10-12 દિવસો વહેલું આવી જાય તેવું મારું માનવું છે.મને કોઇએ કહ્યું નથી.મારી સાથે કોઇની વાત થઇ નથી.હમણાં ન્યુઝ આવી જશે કે અધ્યક્ષે તારીખ જાહેર કરી નાખી.કોઇ તારીખ જાહેર કરવાની મને કોઇ સત્તા નથી.પરંતુ હું કાર્યકરોને કહેવા માંગુ છુ કે, તેઓ દિવાળીમાં સુષુપ્ત ન થઇ જાય.
અત્રે ઉલ્લેખનીય છે કે, આગામી વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીનો સમય બાકી રહ્યો છે.ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે.હાલ તમામ રાજકીય પક્ષો પોતાની રીતે ચૂંટણીની તૈયારીમાં લાગી ગયા છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉપરા ઉપરી ગુજરાતનો પ્રવાસ કરી રહ્યા છે.તેની સાથે જ ચૂંટણી પ્રચારની ગતિવિધિઓ પણ તેજ બની ગઈ છે.