– ગુજરાત પ્રદેશ ભાજપે અચાનક પૂર્વ CM વિજય રૂપાણીના ખાસ ગણાતા નીતિન ભારદ્વાજને સુરેન્દ્રનગર જિલ્લા પ્રભારી પદેથી હટાવતા રાજકીય વર્તુળમાં ચર્ચાઓ તેજ
સુરેન્દ્રનગર : વિધાનસભાની ચૂંટણી નજીક આવતાની સાથે જ રાજકીય પક્ષોમાં ઉથલ પાથલ જોવા મળતી હોય છે.તેમાં પણ ખાસ કરી સૌરાષ્ટ્રને રાજકારણની પાઠશાળા માનવામાં આવે છે અને સૌરાષ્ટ્રના પ્રવેશ દ્વાર એવા સુરેન્દ્રનગરના જ પ્રભારી અને વિજય રૂપાણી સરકાર સમયે સુપર સીએમ તરીકે જાણીતા અને વિજય રૂપાણીના નજીકના નીતિન ભારદ્વાજની એકાએક હકાલપટ્ટી કરી તેમની પાસેથી પ્રભારી પદ છીનવી લઇ પ્રદેશ મવડી મંડળ દ્વારા બોટાદ ભાજપના પ્રમુખ સુરેશ ગોધાણીને સુરેન્દ્રનગરના પ્રભારી તરીકે મુકવામાં આવ્યા છે.ત્યારે ભંડેરી બાદ ભારદ્વાજ ને પણ એકાએક પદ પરથી દૂર કરી દેવાતા સૌરાષ્ટ્રના રાજકારણમાં નવા જુનીના એંધાણ જોવામાં આવી રહ્યા છે.આ અંગે એક ખાનગી મીડિયા સાથે ભારદ્વાજએ વાતચીત કરતા જણાવ્યું હતું કે, પોતે ભાજપના કાર્યકર્તા છે અને આગામી સમયમાં પાર્ટી જે જવાબદારી સોંપશે તે નિભાવશે.જોકે ભારદ્વાજ બાદ રૂપાણી જૂથના અન્ય નેતાઓને પણ મહત્ત્વની જવાબદારીમાંથી મુક્ત કરાશે તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે.
રાજકોટ પશ્ચિમ બેઠકના ધારાસભ્ય વિજય રૂપાણી મુખ્યમંત્રી હતા ત્યાંરે રાજકોટના જ આગેવાન નીતિન ભારદ્વાજનો સુર્ય મધ્યાહને તપતો હતો તેવું કહેવામાં અતિશયોક્તિ નથી.માત્ર સંગઠનમાં જ નહીં પરંતુ તમામ સરકરી વિભાગનો બારોબારનો હવાલો ભારદ્વાજ સંભાળતા હોવાની પણ છાપ પડી ગઇ હતી.ભારદ્વાજ કહે તેટલુ જ પાણી સરકારી બાબુઓ પીતા હતા.પરંતુ વિજય રૂપાણી પાસેથી મુખ્યમંત્રીની ખરશી છીનવાયા બાદ તેના જૂથનો પણ ધીમે ધીમે રસ્તો થવા લાગ્યો છે.રૂપાણી સરકાર વચ્ચે સુપર સીએમની છાપ ધરાવતા નીતિન ભારદ્રાજ આમતો સંગઠનમાંથી સાઇડલાઇન થઇ જ ગયા હતા પરંતુ હવે તેની પાસે વધેલો એકમાત્ર હોદો એટલે કે સુરેન્દ્રનગરનુ પ્રભારીપદ પણ છીનવી લેવાયુ છે અને સંપૂર્ણપણે ઘરે બેસાડી દેવામા આવ્યા છે.જેની સામે સુરેન્દ્રનગરના નવા પ્રભારી તરીકે સૌરાષ્ટ્રના જ બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ સુરેશભાઇ ગોઘાણીને જવાબદારી સોંપી દેવામા આવી છે.
ગુજરાત ભાજપમાં પ્રમુખ પદે સી.આર.પાટીલ આવતાની સાથે જ તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણી અને સી.આર.પાટીલ વચ્ચે આંતરિક યુદ્ધ શરૂ થઇ ગયું હતું.પાટીલની એન્ટ્રી થતા જ રૂપાણી જૂથના સભ્યોને એક બાદ એક હીટલિસ્ટમાં સમાવેશ કરી દેવામાં આવતા હોય તેવી સ્થિતિ નિર્માણ થયું હતું.સૌરાષ્ટ્ર એ વિજય રૂપાણીનો ગઢ માનવામાં આવે છે અને ભૂતકાળમાં સૌરાષ્ટ્રમાં આવેલી પેટા ચૂંટણીમાં તમામ બેઠકો પર ભાજપે જીત પણ હાસિલ વિજય રૂપાણીના નેતૃત્વમાં કરી હતી.જો કે પાટીલ હવે રૂપાણીના ગઢમાં ગાબડું પાડતા હોય તેવું લગી રહ્યું છે.
ખાસ કરીને રૂપાણીનો જમણો હાથ ગણાતા નીતિન ભારદ્વાજનું સંગઠનમાંથી નામ ઓર નિશાન મીટાવવા માટે હરીફ જૂથે જબરો પ્રહાર કરી નાંખ્યો છે.રાજકોટ શહેર ભાજપ સંગઠનમાં જ નહીં પણ અન્ય જવાબદારીમાંથી પણ સેવામુક્ત કરી દેવામા આવ્યા છે.નીતિન ભારદ્વાજ પાસે સુરેન્દ્રનગરના પ્રભારીનો હોદો હતો.આ એકમાત્ર હોદો પણ છીનવી લેવામા આવ્યો છે.પ્રભારી પદેથી હકાલપટ્ટી કરી નાખવામા આવી છે.ભાજપમાં જ એવી ચર્ચા ચાલી રહી છે કે વિધાનસભાની ચૂંટણી માથે આવી રહી છે. ચૂંટણીની તૈયારીઓ શરૂ થઇ ચુકી છે.મીટીંગોનો દોર પણ ચાલુ છે આવા સમયે જ રૂપાણી લંડન ચાલ્યા ગયા છે.સ્થાનિક કક્ષાએ ભારદ્વાજ પાસે હવે એકપણ હોદો નહી રહેતા સંપૂર્ણપણે ઘરે બેસી રહેવાનો વારો આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે ધનસુખ ભંડેરી અને નીતિન ભારદ્વાજ બન્ને વિજય રૂપાણીના ડાબા અને જમણા હાથ માનવામા આવતા હતા.અને ભંડેરી ભારદ્વાજની આ જોડીનો દબદબો પણ હતો.જો કે પાટીલ અને રૂપાણી વચ્ચેના જુથવાદના કારણે આજે બન્નેને ઘરે બેસાડી દેવાયા છે.પહેલા ધનસુખ ભંડેરી પાસેથી રાજ્યના મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેનનો હોદો લઇ લેવાયા બાદ હવે નીતિન ભારદ્વાજ પાસેથી સુરેન્દ્રનગરના પ્રભારીનો હોદો લઈ લેવાયો છે.
ઉલ્લેખનીય છે કે રૂપાણીની નજીક હોવાથી અગાઉ વિધાનસભા 2022ની ચૂંટણીમાં બન્નેને ધારાસભ્ય પદના ઉમેદવાર તરીકે પ્રબળ ચાન્સ જોવામાં આવતા હતા પરંતુ હાઇકમાન્ડ દ્વારા રૂપાણી જૂથમાંથી કોઇને આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં મહત્વની જવાબદરી ન સોંપવી તેવી રણનીતિ હોવાનું ભાજપના જ ટોચના વર્તુળોમાંથી જાણવા મળ્યું છે અને હવે બન્નેને ધારાસભ્ય બનાવના દૂર દૂર ઔધી કોઈ ચાન્સ ન હોવાનું રાજકીય વર્તુળોમાં જોર શોરથી ચર્ચાઇ રહ્યું છે.


