ગાંધીનગર : વિધાનસભાની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે કેન્દ્રીય ચૂંટણી પંચના મુખ્ય નિર્વાચન અધિકારી(સીઇઓ)પી.ભારતીએ રાજ્યના તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ કરીને બૂથ લેવલ અધિકારીને એકટીવ કરીને મતદારોની નોંધણી કામગીરીની સમીક્ષા કરવા તાકિદ કરી છે.તે સાથે મતદાન માટે ઉપયોગમાં લેવાતા ઇવીએમ મશીનની પ્રથમ તબક્કાની ચકાસણી ૧૫ જુલાઇથી શરૂ કરી દેવા તેમજ મશીન રખાય છે તે વેર હાઉસની સલામતી વ્યવસ્થા ચકાસવા માટે પણ સૂચના આપી હતી.
રાજ્યમાં વિધાનસભા ચૂંટણી માટે આગોતરી તૈયારી શરૂ કરી દેવાઇ છે.જેમાં ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદારો અંગેના જે મહત્વના નિર્ણયો લેવાયા છે તેનો રાજ્યમાં અમલ કરવા પંચના સીઇઓ પી. ભારતીએ જિલ્લા ચૂંટણી અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ કરીને માર્ગદર્શન આપ્યું હતું.તેમણે જણાવ્યું હતું કે ચૂંટણી સમયે બૂથ લેવલ અધિકારી(બીએલઓ)ની ભૂમિકા મહત્વની હોય છે અને મતદારોના નામ સામેલ કરાવવા કે અવસાન પામ્યા હોય તેમના નામ કમી કરાવીને યાદીને અદ્યતન બનાવવામાં તેઓ ચાવીરૂપ ભૂમિકા ભજવતા હોય છે.
તેથી જિલ્લા ચૂંટણી અધિકારીઓ બીએલઓને એકટીવ કરીને વહેલી તકે મતદારોની નોંધણી કરાવે અને તેની સમીક્ષા કરવા પણ જણાવ્યું હતું.બીએલઓના પ્રશિક્ષણ માટેના મોડ્યુલ તૈયાર કરી તેને અનુરૂપ તાલીમ શરૂ કરવા પણ જણાવ્યું હતું.મતદારોના ફોર્મમાં કેટલાક સુધારા કરાયા છે તેને ધ્યાનમાં રાખીને મતદાર જાગૃતિ અને પ્રશિક્ષણ પ્રવૃતિમાં સામેલ કરીને નાગરિકોને માહિતગાર કરવા અને શૈક્ષણિક સંસ્થાઓમાં મતદાર સાક્ષરતા ક્લબ કાર્યરત ના હોય તો શરૂ કરવા પણ તેમણે તાકિદ કરી હતી.
તે ઉપરાંત ઇવીએમની ચકાસણી ૧૫ જુલાઇથી શરૂ કરી દેવા અને ચૂંટણી અધિકારીઓને જણાવ્યું હતું.વિધાનસભા મત વિસ્તારમાં ઉભા કરાતા મતદાન કેન્દ્રના રેશનલાઇઝેશન માટે કેન્દ્રોની સ્થળ મુલાકાત લઇને મતદારોને પ્રાથમિક સુવિધા સુનિશ્વિત કરવા માટે પણ જણાવ્યું હતું.મતદાન કેન્દ્ર પાકા અને સુવિધાજનક હોય તેનું ધ્યાન રખાશે.બેઠકમાં અધિક મુખ્ય નિર્વાચન અધિકારી આર.કે.પટેલ,સંયુક્ત મુખ્ય નિર્વાચન અધિકારી અજય ભટ્ટ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.