- ટેસ્ટ કેપ્ટનશીપ છોડવાનો કોહલીનો નિર્ણય વ્યક્તિગત,બોર્ડ તેનું સન્માન કરે છેઃ ગાંગુલી
નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રમુખ સૌરવ ગાંગુલીએ વિરાટ કોહલીના ટેસ્ટ કેપ્ટન પદ છોડવાના નિર્ણયના બીજા દિવસે મહત્વની ટિપ્પણી કરી છે.રવિવારે ગાંગુલીએ જણાવ્યું કે,ટેસ્ટ કેપ્ટનશિપ છોડવાનો વિરાટનો નિર્ણય વ્યક્તિગત છે.ગાંગુલીએ ક્રિકેટની તમામ ફોરમેટમાં દેશને આગળ લઈ જવા બદલ કોહલીની પ્રશંસા પણ કરી હતી.
શનિવારે વિરાટ કોહલીએ ટેસ્ટ કેપ્ટન પદ છોડવાની જાણ ટ્વીટ કરીને કરી હતી.દક્ષિણ આફ્રિકા સામેની ત્રીજી નિર્ણાયક ટેસ્ટમાં ભારતનો પરાજય થયા બાદ કોહલીએ બીજા જ દિવસે આ ધડાકો કરતા ક્રિકેટજગત સ્તબ્ધ થઈ ગયું હતું.ભારતીય ટીમે ત્રીજી ટેસ્ટ સાથે દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણી પણ 1-2થી ગુમાવી હતી.
ઉલ્લેખનીય છે કે વિરાટ કોહલી ભારતનો અત્યાર સુધીનો સૌથી સફળ ટેસ્ટ કેપ્ટન છે.વિરાટના નેતૃત્વમાં ભારત 68 ટેસ્ટ રમ્યું છે જે પૈકી 40 ટેસ્ટમાં વિજય મેળવ્યો છે.વિરાટની કપ્તાની હેઠળ જ ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં ભારતે ઐતિહાસિક શ્રેણી વિજય મેળવ્યો છે.બોર્ડ પ્રમુખ ગાંગુલીએ ટ્વીટ કરીને જણાવ્યું કે,વિરાટના નેતૃત્વમાં ભારતીય ક્રિકેટે તમામ ફોરમેટમાં હરણફાળ ભરી છે.ટેસ્ટ કેપ્ટનપદ છોડવાનો નિર્ણય તેનો વ્યક્તિગત છે અને બોર્ડ તેનું સન્માન કરે છે.ભવિષ્યમાં તે ટીમને વધુ ઊંચાઈ પર લઈ જવા માટે એક મહત્વનો સભ્ય રહેશે.તે એક મહાન ખેલાડી છે. વેલ ડન.
વિરાટ સૌથી સફળ ટેસ્ટ કપ્તાન રહ્યો છે.બીજા ક્રમે મહેન્દ્ર સિંહ ધોની છે જેના નેતૃત્વમાં ભારત 60 પૈકી 27 ટેસ્ટમાં જીત્યું છે.જ્યારે ત્રીજા ક્રમે સૌરવ ગાંગુલી આવે છે જેની કપ્તાનીમાં ભારતે 21 ટેસ્ટ વિજય મેળવ્યા છે.વિશ્વ ક્રિકેટમાં વિરાટનો ચોથો ક્રમ છે.દક્ષિણ આફ્રિકાના ગ્રીમ સ્મિથ 53 ટેસ્ટ વિજય સાથે પ્રથમ ક્રમે છે જ્યારે ઓસ્ટ્રેલિયાનો રિકી પોન્ટિંગ 48 ટેસ્ટમાં જીત અને સ્ટીવ વૉ 41 ટેસ્ટ જીત સાથે અનુક્રમે બીજા અને ત્રીજા ક્રમે છે.
વિરાટને 2014માં ઓસ્ટ્રેલિયા સીરિઝમાં કપ્તાનીની કમાન સંભાળી હતી.આ સીરિઝમાં પૂર્વ કેપ્ટન એમ એસ ધોનીએ અધવચ્ચે નિવૃત્તિ જાહેર કરતા વિરાટને ટીમ ઈન્ડિયાનો ટેસ્ટ કેપ્ટન બનાવાયો હતો.