અમદાવાદ, ગુરુવાર, 12 મે,2022 : કાળઝાળ ગરમીમાં શહેરના અનેક વિસ્તારોમાં અપુરતા પ્રેસરથી પાણી મળી રહ્યુ છે.આ પરિસ્થિતિમાં કોંગ્રેસના કોર્પોરેટરો ગુરુવારે સવારના સમયે મ્યુનિસિપલ કમિશનરના ઘરની બહાર ડોલ લઈ પહોંચ્યા હતા.પાણી આપોના સૂત્રોચ્ચાર કરી રહેલા કોર્પોરેટરો અને કાર્યકરોને પોલીસે અટકાયત કર્યા બાદ મુકત કર્યા હતા.
મ્યુનિસિપલ વિપક્ષનેતા શહેજાદખાન પઠાણ,ઈકબાલ શેખ સહિતના કોંગ્રેસના કોર્પોરેટરો અને કાર્યકરો સવારના સમયે કમિશનર બંગલા બહાર ડોલ,સાબુ અને ટુવાલ સાથે પહોંચી ગયા હતા.જયાં કમિશનર પાણી આપોના સૂત્રોચ્ચાર સાથે શહેરના તમામ વોર્ડ અને તેના વિસ્તારોમાં રહેતા લોકોને એક સરખા પ્રમાણમાં પાણી મળે એ પ્રકારનું વ્યવસ્થા તંત્ર ગોઠવવા રજૂઆત કરી હતી.
વિપક્ષનેતાએ પ્રતિક્રીયા આપતા કહ્યુ,વોટર પ્રોજેકટના નામે પાણી માટે કરોડો રુપિયાના પ્રોજેકટ મંજુર કરાય છે.શહેરમાં ૨૪ કલાક પાણી આપવાની ગુલબાંગ છતાં અનેક વિસ્તારમાં પુરતા પ્રેસરથી પાણી મળતુ નથી.અનેક વિસ્તારોમાં પાણી પહોંચાડવા ટેન્કરો દોડાવવા પડી રહ્યા છે.જો આ પરિસ્થિતિનું નિરાકરણ નહીં આવે તો વિપક્ષ જલદ આંદોલન કરશે.