સુરતના નાના વરાછા વિસ્તારમાં આવેલા હેલ્થ સેન્ટર પર કોરોનાની સર્વેની કામગીરી કરી રહેલા કર્મચારીઓ હડતાળ પર ઉતરી ગયા છે.ઘરે ઘરે જઈને વેક્સિનેશન રસી સહિતની વિગતો હાલ એકઠી કરવામાં આવી રહી છે.આવા સમયે કોન્ટ્રાક્ટ પર કામ કરતાં 200 જેટલા કર્મચારીઓ પગાર મુદ્દે રોષ સાથે હડતાળ પર ઉતરી ગયા છે. નિરવ નામના કર્મચારીએ જણાવ્યું કે,નવેમ્બર માસથી પગાર નથી આપવામાં આવ્યો.અમે રજૂઆત કરીએ તો નોકરી પરથી છૂટા કરી દેવાની ધમકી આપવામાં આવે છે.જેથી અમે હડતાળ પર ઉતરી ગયા છીએ.
સર્વેની કામગીરી કરનારાની હડતાળ
મહાનગરપાલિકા દ્વારા કોરોના સંક્રમણ પણ દરમિયાન એઆઈઆરના કેસોનો સર્વે કરવા માટે કોન્ટ્રાક્ટ આધારે કર્મચારીઓની ભરતી કરવામાં આવી હોય છે.આ કર્મચારીઓ દ્વારા ઘરે ઘરે જઈને શરદી ખાંસી સહિતના દર્દીઓની વિગતો એકઠી કરવાની સાથે સાથે પાલિકા દ્વારા નક્કી કરાયેલા સર્વેની કામગીરી કરવામાં આવતી હતી.જો કે હાલ આ કર્મચારીઓ હડતાળ પર પગાર મુદ્દે ઉતરી ગયા છે.
પગાર,પીએફ મુદ્દે સ્પષ્ટ વાત કરાતી નથી
હડતાળ પર ઉતરેલા કર્મચારીઓએ રોષ સાથે જણાવ્યું કે,આખા શહેરમાં કર્મચારીઓ કોન્ટ્રાક્ટ પર હોવાથી યોગ્ય પગાર અપાતો નથી.એજન્સી અડધો પગાર પોતાની પાસે રાખે છે.નવેમ્બરથી પગારમાં ગલ્લાં તલ્લા ચાલે છે. અમને પીએફના નાણા કાપીને પગાર અપાય છે પરંતુ પગારની સ્લીપ પણ આપવામાં આવતી નથી.