વાપીની એક મહિલાએ દારૂ પીધા બાદ માર મારતા પતિના ત્રાસથી કંટાળી ત્રણ સંતાનને મુકી આપઘાત કરવા ઘરેથી નીકળી ગઇ હતી.જોકે,બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને વાપીથી ટ્રેનમાં બેસીને સુરત પહોંચી હતી.માતાના અંતિમ પગલું ભરવાના વિચારથી વાકેફ બાળકોએ લાગણીની દોડ કરીને બચાવવાના કરેલા પ્રયાસથી મહિલાએ આપઘાતના વિચારને બદલી નાખ્યો હતો.સુરત પહોંચેલી મહિલાને રેલવે પોલીસે 181ની હેલ્પલાઇનની મદદથી સખી વન સ્ટોપ સુધી પહોંચાડી હતી.
પીડિત મહિલાએ નામ ન લખવાની શરતે જણાવ્યું હતું કે હું નેપાળની રહેવાસી છું.18 વર્ષના લગ્ન જીવનમાં ત્રણ સંતાનની માતા છું.મારા પતિ વાપીની એક કેમિકલ કંપનીમાં કામ કરે છે.મને તેમની સામે કોઈ ફરિયાદ નથી,પણ જ્યારે દારૂ પીને ઘરે આવે ત્યારે ભાન ભૂલેલો પતિ ગાળો આપી બાળકોની સામે મને નિર્દયતાથી મારે છે.મારી ધીરજ ખૂટતાં આપઘાતનો નિર્ણય કર્યો હતો.
બૂટલેગર પાસે દારૂ લેવા મોકલતો
મહિલાનો નિર્દય પતિ બૂટલેગર પાસે જઈ દારૂ લાવવા મજબૂર કરતો.મારા છેલ્લા અંતિમ નિર્ણયથી વાકેફ બાળકોએ મારો રેલવે સ્ટેશન સુધી પીછો કર્યો અને મને ઘરે પાછી લઈ જવાનો પ્રયાસ કર્યો હતો.મોટા બાળકને ભાઈ-બહેનની કાળજી રાખવાનું કહી ટ્રેનમાં બેસી ગઈ હતી.