નવી દિલ્હી : ઔદ્યોગિક લોબીએ રચેલા ઈન્ડિયન બેન્ક્સ એસોસિયેશન(IBA)ના ચેરમેન રાજકિરણ રાયના જણાવ્યા અનુસાર ભારતની વિવિધ બેન્કોએ એવાં ૨૨ ખાતાં જુદા તારવ્યા છે જે ચુકવણી કરતા જ નથી.એમની બાકી રકમનો સરવાળો ૮૯,૦૦૦ કરોડ રૂપિયા થાય છે.આ ખાતાંઓ પ્રસ્તાવિત બેડ બેન્ક (NARCL)ને ટ્રાન્સફર કરવામાં આવશે. સાથે જ રાયે ખુલાસો કર્યો હતો કે આ તો બેન્કો તરફથી તારવવામાં આવેલા પ્રાથમિક આંકડો છે.એમાંથી કેટલા ખાતાં સ્વીકારવા એ બેડ બેન્ક (નેશનલ એસેટ રીકન્સ્ટ્રક્શન કંપની) નક્કી કરશે.રાજકિરણ રાય રાષ્ટ્રીયકૃત યુનિયન બેન્કના વડા પણ છે.
નેશનલ એસેટ રિક્ન્સ્ટ્રક્શન કંપની (NARCL)ની સ્થા૫નાની જાહેરાત ૨૦૨૧-૨૨ના કેન્દ્રીય બજેટમાં કરવામાં આવી હતી.દેશની બેન્કોના તમામ પ્રયાસ છતાં જે ખાતાંઓ લોનની ચુકવણી ન કરતા હોય અને બેન્ક હારી ગઈ હોય એવાં ખાતાઓ (બેડ એસેટ્સ) ભેગા કરી એ રકમના ચુકવણાની જોગવાઈ કરશે.આ કંપની મોટાભાગે રાષ્ટ્રીયકૃત બેન્કોના ભંડોળના આધારે કામ કરશે.તેનો આરંભ જુલાઈ ૨૦૨૧માં થવા જઈ રહ્યો છે.આ અંગે રાજકિરણ રાય એક પ્રેસકોન્ફરન્સમાં માહિતી આપી રહ્યા હતા.ભરપાઈ ન થનારી લોનના ખાતાં NARCLમાં કઈ શરતે ટ્રાન્સફર કરવામાં આવશે એવા પત્રકારોના પ્રશ્નનો જવાબ આપતાં રાયે જણાવ્યું હતું કે બેન્કોએ પોતપોતાના ખાતાંઓ સોંપવાનો પ્રસ્તાવ મૂકી દીધો છે.હવે NARCL કયાં કયાં ખાતાં સ્વીકારશે એ તો તેની મરજી અને ક્ષમતા ઉપર આધાર રાખે છે.
રાયના જણાવ્યા પ્રમાણે જ્યારે બેડ બેન્ક ચાલુ થાય તો તરત કામગીરી હાથ ઉપર લઈ શકે એ માટેનું ગ્રાઉન્ડ તૈયાર રાખવા માટે આ ખાતાંઓ તારવી આપવામાં આવ્યા છે.