– રાજકીય ઉથલપાથલ વચ્ચે સંજય પાંડે નિવૃત્ત
– ઉજ્જવળ કારકિર્દી ધરાવતા ફણસાલકર મુંબઈના પોલીસ કમિશનર બનવાના ઈચ્છુક હતા
મુંબઈ : રાજ્યમાં એકતરફ સત્તાપલટાની શક્યતા વર્તાઈ રહી છે ત્યારે જ મુંબઈના પોલીસ કમિશનર સંજય પાંડે આવતી કાલે નિવૃત્ત થઈ રહ્યા છે અને વિવેક ફણસાલકરને મુંબઈ પોલીસ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
રાજ્યની અસ્થિર રાજકીય પરિસ્થિતિએ કાયદો અને વ્યવસ્થાનો સૌથી મહત્વનો પ્રશ્ન ઉભો કર્યો છે. આવી સ્થિતિમાં વરિષ્ઠ આઈપીએસ અધિકારી અને થાણે શહેરના ભૂતપૂર્વ પોલીસ કમિશનર વિવેક ફણસાલકરે ગઈ કાલે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરી હતી.વિવેક ફણસાલકર મુંબઈ પોલીસ કમિશનર પદ માટે ઈચ્છુક હતા.તેથી જ તેઓ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને મળવા આવ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.તે પછી તરત જ, રાજ્ય સરકારે ફણસાલકરને મુંબઈ પોલીસ કમિશનર તરીકે નિયુક્ત કર્યા હોવાની જાણકારી આવી છે.
વિવેક ફણસાલકર મૂળ પુણેના છે અને તેમણે તેમનું શિક્ષણ પણ પુણેમાં પૂર્ણ કર્યું છે.બીઈ ઈલેક્ટ્રોનિક્સ અને ટેલિકોમ સ્નાતક વિવેક ફણસાલકરે એમઆઈટી એન્જિનિયરિંગ કોલેજમાં ટેલ્કોના લેક્ચરર તરીકે તેમની કારકિર્દીની શરૃઆત કરી હતી.આ કરતી વખતે,તેમણે યુપીએસસીની પરીક્ષા પાસ કરી અને ૧૯૮૯ માં, વિવેક ફણસાલકર મહારાષ્ટ્ર કેડરમાંથી પસંદ થયા.
વિવેક ફણસાલકર ૧૯૮૯ બેચના આઈપીએસ અધિકારી છે જેમણે અકોલામાં એડિશનલ સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ તરીકે પદાર્પણ કર્યું હતું.તે પછી, વિવેક ફણસાલકરે રાજ્યપાલ ડૉ. પી.સી. એલેક્ઝાન્ડરના એડીસી તરીકે કામ કર્યું.વર્ધાના પોલીસ અધિક્ષકની બોસ્નિયામાં યુએસ મિશન માટે પસંદગી કરવામાં આવી હતી.
ફણસાલકરની ૩૧ જુલાઈ, ૨૦૧૮ના રોજ થાણેના પોલીસ કમિશનર તરીકે નિયુક્તિ થઈ હતી.તેમણે થાણેમાં ઉત્તમ કામગીરી કરી હોવાથી રાજ્ય પ્રશાસને તેમની બદલી ન કરતા તેમની મુદત વધારી હતી.આશરે પોણા બે વર્ષ તેમણે થાણે શહેરના કમિશનરનું પદ સંભાળ્યું.તેમનો કાર્યકાળ ૨૦૧૮માં પૂરો થતો હતો. કોરોના કાળમાં જીવના જોખમે નાગરિકના જીવ બચાવનાર પોલીસ અધિકારી અને કર્મચારીઓ માટે તેમણે આગેવાની લીધી હતી.કર્તવ્ય બજાવતા મૃત્યુ થયેલા કર્મચારીઓના સંતાનોને નિયુક્તિ પત્ર આપવાની પહેલ તેમણે શરૃ કરી હતી.
તેમની આ પહેલની રાજ્યભરમાં પ્રશંસા થઈ હતી.
વિવેક ફણસાલકરની કારકિર્દી
વિવેક ફણસાલકર ૧૯૯૧-૯૩ દરમ્યાન અકોલામાં એડિશનલ પોલીસ સુપરીન્ટેન્ડન્ટ હતા. ૧૯૯૩-૯૪ દરમ્યાન તેઓ ગવર્નર ડો. એલેક્ઝેન્ડરના એડીસી હતા. ૧૯૯૫-૯૮ દરમ્યાન તેઓ વર્ધા અને પરભણીના પોલીસ સુપરીન્ટેન્ડન્ટ હતા. ૧૯૯૮-૨૦૦૦ દરમ્યાન નાશિકના ડેપ્યુટી પોલીસ કમિશનર, ૨૦૦૦-૦૩ દરમ્યાન નાગપુર, સીઆઈડીના પોલીસ સુપરીન્ટેન્ડન્ટ, ૨૦૦૩-૦૭ દરમ્યાન કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના ડાયેરકેટર ઓફ વિજિલન્સ, ૨૦-૭-૧૦ દરમ્યાન પુણે અને થાણેના એડિશનલ પોલીસ કમિશનર, ૨૦૧૦-૧૪ દરમ્યાન મુંબઈના જોઈન્ટ પોલીસ કમિશનર(જોઈન્ટ), ૨૦૧૪-૧૫ દરમ્યાન જોઈન્ટ પોલીસ કમિશનર (એડ્મિન), ૨૦૧૫-૧૬, મુંબઈના એડિશનલ ડાયરેકટર જનરલ ઓફ પોલીસ એટીએસ, ૨૦૧૬-૧૮ દરમ્યાન મુંબઈના એસીબીના એડિશનલ ડાયરેકટર જનરલ ઓફ પોલીસ, ૨૦૧૮-૨૨ દરમ્યાન થાણેના પોલીસ કમિશનર.
મુંબઈમાં સુરક્ષા વ્યવસ્થા
રાજ્યમાં શિવસેનાના બળવાખોર વિધાનસભ્યો પાછા આવી રહ્યા હોવાથી અને ફ્લોર ટેસ્ટને ધ્યાનમાં રાખીને તકેદારીની સુરક્ષા વ્યવસ્થા તરીકે ડીસીપી લેવલ અને તેનાથી વધુના ૨૦ ઓફિસર, ૨૨૫ પોલીસ ઈન્સ્પેકટર, ૭૨૫ એપીઆઈ અને પીએસઆઈ, ૨૫૦૦ પોલીસ કર્મીઓ, ૧૨૫૦ એલપીસી કર્મીઓ, એસઆરપીએફની ૧૦ કંપની અને વધારાના દળ તરીકે ૭૫૦ કર્મીઓ તૈનાત કરવામાં આવશે એવી જાણકારી મુંબઈ પોલીસે આપી છે.