– રિવ્યુ બેઠકમાં મુકેશ પટેલે કહ્યું કે વર્ષો જૂની માગણીનો ઉકેલ આવતો નહીં હોવાથી કહેવું પડયું, હવે મામલો મુખ્યમંત્રી સમક્ષ ગયો છે
ગાંધીનગર : સુરત સહિત રાજ્યમાં અનેક જગ્યાએ સબસ્ટેશન સ્થાપવાના મુદ્દે અરજીઓ પેન્ડીંગ રહેતાં ઉર્જા રાજ્યમંત્રી મુકેશ પટેલ અને ગુજરાત ઉર્જા વિકાસ નિગમ (જીયુવીસીએલ)ના એમડી શાહમીના હુસેન વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી.આ મામલો એટલો વણસી ચૂક્યો હતો કે મુકેશ પટેલ બેઠક છોડી ગયા હતા અને છેવટે આ મુદ્દો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ લઇ જવામાં આવ્યો હતો.
રાજયના ઉર્જા મત્રી કનુભાઇ પટેલની ચેમ્બરમાં સોમવારે સાંજે ચાર કલાકે ઉર્જા વિભાગના અધિકારીઓની યોજાયેલી રીવ્યુ બેઠકમાં વિભાગના અનેક પ્રશ્નોની ચર્ચા માટે રાજ્ય ઉર્જા મંત્રી મુકેશ પટેલ,ઉર્જા વિભાગના અગ્રસચિવ મમતા વર્મા અને ઉર્જા વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત હતા.
આ બેઠકમાં નિગમના મેનેજીંગ ડિરેક્ટર શાહમીના હુસેન
સમક્ષ મુકેશ પટેલે જ્યારે સુરતમાં સબસ્ટેશનની જમીન લેવાના મામલે ચર્ચા કરતાં મંત્રી અને મહિલા અધિકારી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી.રાજ્યમંત્રી મુકેશ પટેલ શાહમીના હુસેન સામે ઉગ્ર થઇ જતાં ઉર્જા મંત્રી કનુભાઇ પટેલે તેમને સમજાવ્યા હતા પરંતુ તેઓ ચાલુ બેઠકમાં ત્રણ વખત ઉભા થઇને જતા રહ્યાં હતા.આ ઘટના અંગે મુકેશ પટેલે કહ્યું હતું કે અમારા મત વિસ્તાર સહિત સુરત જિલ્લામાં સબસ્ટેશન સ્થાપવાની દરખાસ્તો દોઢ વર્ષથી પેન્ડીંગ હોવાથી મેં અધિકારીને કહ્યું હતું કે ઝડપથી જમીન સંપાદન કરી સબસ્ટેશનની કાર્યવાહી શરૂ કરો પરંતુ અધિકારીએ કહ્યું કે આ બેઠકમાં તેની ચર્ચા થાય નહીં.તેથી મેં કહ્યું કે જો આ ચર્ચા ન કરવી હોય તો મારે બેઠકમાં ઉપસ્થિત રહેવું નથી તેથી હું જતો રહ્યો હતો.મંત્રીએ કહ્યું કે સબસ્ટેશન માટે જમીનની માગણી થઇ છે પરંતુ ગૌચરની જમીન આવતી હોવાથી ઘણી અરજીઓ પેન્ડીંગ છે પરંતુ જ્યાં ખાનગી જમીન સંપાદન કરવાની થાય છે ત્યાં ટેન્ડર મારફતે ભાવ મંગાવવામાં આવ્યા છે પરંતુ કાર્યવાહી પૂર્ણ થતી નથી.
જે લોકો જમીન આપવા માગે છે તેના ભાવ ઉંચા આવે છે તેથી નિર્ણય લેવાતો નથી.મુકેશ પટેલે કહ્યું કે જવાબદાર અધિકારી આ મામલે ઝડપથી સોલ્યુશન લાવતા નથી તેથી મારે તેમને કહેવું પડયું છે પરંતુ હવે સમગ્ર બાબત મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરવામાં આવી છે.જો કે આ મુદ્દે ઉર્જા વિકાસ નિગમના એમડી શાહમીના હુસેનનો સંપર્ક કરવામાં આવ્યો હતો પરંતુ તેઓ નિરૂત્તર રહ્યાં હતા.


