અમદાવાદ : શહેરને પોલ્યુશન ફ્રી સિટી બનાવવાની મોટી મોટી વાતો કરતાં ભાજપના શાસનમાં વૃક્ષારોપણના ફોટા પડાવી લીધા બાદ જાળવણીમાં ઘોર બેદરકારી દાખવવામાં આવતી હોવાથી ચાર વર્ષમાં ૧૪ લાખથી વધુ વૃક્ષો સુકાઇ જતાં પાંચ કરોડ રૂપિયા જેટલો જંગી ખર્ચ માથે પડ્યો હોવાનો આક્ષેપ મ્યુનિ.સામાન્ય સભામાં વિરોધપક્ષ નેતાએ કર્યો હતો.મ્યુનિ.બોર્ડ બેઠકમાં શૂન્યકાળની શરૂઆતમાં મ્યુનિ.કોંગ્રેસ પક્ષનેતા શેહઝાદખાન પઠાણે શહેરમાં એર પોલ્યુશનનું પ્રમાણ વધી ગયું હોવાનો અને એક તબક્કે પોલ્યુશન દર્શાવતો આંકડો ૩૦૦ પાર કરી ગયો હોવાનો આક્ષેપ કરતાં કહ્યું કે,શહેરમાં એર પોલ્યુશન રોકવા માટે ડસ્ટ ફ્રી રોડ અને વૃક્ષારોપણ જ અંતિમ ઉપાય છે.પરંતુ ભાજપના શાસનમાં સને ૨૦૧૮થી ૨૧-૨૨ના વર્ષ સુધીમાં ૩૫ લાખથી વધુ વૃક્ષોનું વાવેતર કર્યાના દાવા કરવામાં આવ્યા છે,પરંતુ વૃક્ષારોપણના ફોટોસેશન બાદ જાળવણીમાં ઘોર બેદરકારી દાખવવાના કારણે ૧૪ લાખથી વધુ વૃક્ષારોપણ નિષ્ફળ થઇ ગયું છે,તેવો આક્ષેપ કરતાં વિપક્ષનેતાએ કહ્યું કે,આ ચાર વર્ષમાં વૃક્ષારોપણ પાછળ ૧૩ કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે,તેમાંથી નિષ્ફળ ટ્રી પ્લાન્ટેશન પાછળનો પાંચ કરોડથી વધુ ખર્ચ માથે પડ્યો છે.તેમણે આક્ષેપ કર્યો હતો કે,નેશનલ ક્લીન એર પોગ્રામ અંતર્ગત કેન્દ્ર સરકારે રાજયના ચાર શહેરોને કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપી છે,જેમાં બીજા શહેરો તેનો સદઉપયોગ કરવાની દિશામાં આગળ વધી ગયાં છે,જયારે અમદાવાદ પાછળ રહી ગયું છે.ચોમાસુ નજીક આવી રહ્યું છે તેને ધ્યાને લઇ મ્યુનિ.કોંગ્રેસ પક્ષનેતા શેહઝાદખાન પઠાણે શહેરમાં વરસાદી પાણીના નિકાલ માટેના આયોજનનો મુદ્દો ઉઠાવતાં કહ્યું કે,સ્ટોર્મ વોટર લાઇન નાખવા પાછળ દસ વર્ષમાં ૧૦૦ કરોડથી વધુનો ખર્ચ કરી નાખ્યો છે,તેમ છતાં એક ઇંચ વરસાદમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે.તેવી જ રીતે વરસાદી પાણીના નિકાલ માટે ૩૨ પમ્પિંગ સ્ટેશન બનાવાયા છે,તેમાં બે પશ્ચિમમાં અને બાકીના
પૂર્વ વિસ્તારમાં આવેલાં છે.તેના મેઇન્ટેનન્સ પાછળ વર્ષેદહાડે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામા આવે છે.વરસાદી પાણીનો નિકાલ શહેરના તળાવોમાં કરવાના દાવા પણ પોકળ પૂરવાર થયા હોવાનો આક્ષેપ કરતાં મ્યુનિ.વિપક્ષ નેતાએ સુકાભઠ તળાવોના ફોટા રજૂ કર્યા હતા.મ્યુનિ.કોંગ્રેસના ઉપનેતા નિરવ બક્ષીએ શહેરી ગરીબોને આપવામાં આવેલાં આયુષ્યમાન કાર્ડ એસવીપી હોસ્પિટલમાં ચલાવાતા નથી તે બાબતે વિધાનસભામાં કોંગી ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખની રજૂઆતના જવાબમાં સરકારે પરિપત્ર કર્યો હોવાનો ખુલાસો કર્યો હતો.આજે તે વાતને ૩ મહિના થઇ ગયાં છતાં તેનો અમલ થયો નથી તેવો પ્રહાર કરતાં મ્યુનિ.ની તમામ હોસ્પિટલોમાં આયુષ્યમાન કાર્ડ ધરાવતાં તમામ દર્દીઓને સારવાર મળે તે જોવા મેયરને અનુરોધ કર્યો હતો.તદઉપરાંત મોટેરા સ્થિત સ્ટેડિયમ બહાર કોંગ્રેસ દ્વારા મુકવામાં આવેલાં બેનરને ઉપાડી લેવાના મામલે પણ ભાજપ ઉપર પ્રહાર કરતાં નિરવ બક્ષીએ કહ્યું,શુભેચ્છા પાઠવતાં હોર્ડિંગ્સને દૂર કરીને ભાજપે સરદાર પટેલનું અપમાન કર્યુ છે.