રાજ્યસભાની ચૂંટણી ટાણે ગુજરાત કોંગ્રેસના પાંચ ધારાસભ્યોએ રાજીનામા ધરી દીધા છે, ત્યાં કોંગ્રેસના હાર્દિક પટેલે પક્ષ છોડનારાને લઈ સોશિયલ મીડિયા ઉપર એવું લખ્યું હતું કે, જનતા દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિ જનતા સાથે જ દ્રોહ કરી પોતાના સ્વાર્થ માટે પક્ષપલ્ટો કરે છે, આવા સ્વાર્થી નેતાઓને જાહેરમાં ઊભા કરી તેમને ચપ્પલથી ફટકારવા જોઈએ.
હાર્દિકના આ નિવેદનને લઈ પાસના આગેવાનો એવું કહી રહ્યા છે કે, પહેલાં તો હાર્દિકે પોતાના ગિરેબાનમાં જોવું જોઈએ કે, પોતે પાટીદારો સાથે દ્રોહ કર્યો છે, પછી બીજાની વાત કરવી જોઈએ. પાટીદાર અનામત આંદોલન વખતે ૧૪ જેટલા યુવાનો શહીદ થયા હતા, તેમને ન્યાય અપાવવાને બદલે પાસમાંથી પીછેહટ કરી, રાજકીય રોટલા શેકવા માટે કોંગ્રેસમાં જોડાઈ ગયો હતો, હાર્દિકે તો સમાજ સાથે ગદ્દારી કરી છે.
આંદોલનના નામે લોકોને ઉશ્કેરીને ગેરમાર્ગે દોર્યા હતા, જેના કારણે તોફાનો થયા અને ગુજરાતને મોટું નુકસાન થયું હતું, સમાજ સાથેના દ્રોહના કારણે જ હાર્દિકે જ્યારે જે તે સમયે ચૂંટણી સભાઓ ગજવી ત્યારે જાહેર મંચ પર તેને તમાચા ખાવા પડયા હતા, આમ બીજાની વાત કરતાં પહેલાં હાર્દિકે પોતાના ગિરેબાનમાં જોવું જોઈએ તેમ પાટીદાર આંદોલનકારીઓ જણાવી રહ્યા છે.
‘વેચાયેલો માલ પરત ના લેતા’ : અપક્ષ ધારાસભ્યનો પત્ર
કોંગ્રેસના પાંચ ધારાસભ્યોના રાજીનામા બાદ અપક્ષ ધારાસભ્ય જિજ્ઞોશ મેવાણીએ જનતાને સંબોધીને પત્ર લખ્યો હતો, જેમાં રાજીનામું આપનારા કોંગ્રેસના ધારાસભ્યોને વેચાયેલો માલ જણાવીને લોકોને ‘પરત ન લેવા’ અપીલ કરી હતી.
શરમની વાત છે કે, વિધાનસભાના કેટલાક ધારાસભ્યો એ હદે બાજારુ થઈ ગયા છે કે કોઈ પણ પક્ષ એમની સામે રૂપિયાનો ઢગલો કરે તો પોતે જાણે બજારમાં વેચાવા ઊભેલી પ્રોડક્ટ હોય એમ પોતાની જાતને વેચવા તૈયાર થઈ જાય છે.