અમદાવાદ,
દેશમાં વેન્ચર કેપિટલ રોકાણનો પ્રવાહ માર્ચના ક્વાર્ટરમાં ઘટીને માત્ર 2.2 અબજ ડોલર જ રહ્યો હતો.ડિસેમ્બરના ક્વાર્ટરમાં તેમાં વિક્રમજનક 6 અબજ ડોલરનો પ્રવાહ આવ્યો હતો.જોકે કોરોનાના પડકાર વચ્ચે પણ સ્થાનિક માર્કેટમાં અનેક મોટા ડીલ થયા હતા.કેબીએમજીના રિપોર્ટ અનુસાર માર્ચના ક્વાર્ટરમાં એજ્યુકેશન ટેક્નોલોજી ક્ષેત્રે બૈજુઝે 40 કરોડ ડોલર ઊભા કર્યા હતા. અનએકેડેમીએ 11 કરોડ ડોલર ઊભા કર્યા હતા.આકાશ એજ્યુકેશનલે મેરિટનેશનને ટેકઓવર કરવાની જાહેરાત પણ આ ક્વાર્ટરમાં કરી હતી.મોબિલિટી ફર્મ બાઉન્સ દ્વારા પણ 15 કરોડ ડોલર એકત્ર કરાયા હતા. આગામી સમયમાં આ સેક્ટર વેન્ચર કેપિટલિસ્ટ્સ માટે હોટસેક્ટર પૂરવાર થશે તેમ જણાય છે.
આ ઉપરાંત ઓટો-ટેક,ફિટનેસ સંબંધિત હેલ્થ-ટેકમાં પણ આકર્ષણ જોવાશે.ગેમિંગમાં પણ આકર્ષણ જોવા મળ્યું છે.રિપોર્ટ અનુસાર અનેક ડીલ પાઈપલાઈનમાં છે આથી આગામી સમયમાં મોટા ડીલ થવાની શક્યતા છે,પરંતુ નજીકના સમયમાં અને ખાસ કરીને એપ્રિલ-જૂનના ક્વાર્ટરમાં તેનો પ્રવાહ ધીમો રહેવાની શક્યતા છે. ભારતને શરૂઆતમાં કોરોનાની ખાસ અસર થઈ ન હતી.પરંતુ પછીથી લોકડાઉન કરવું પડ્યું હતું. તેને કારણે અનેક ડીલ ડિફર થયા છે.રિપોર્ટ મુજબ કોરોના વાયરસની અનિશ્ચિતતા હજી યથાવત્ છે તેવા સંજોગોમાં વેન્ચર કેપિટલિસ્ટ્સ જોખમ લેવાનું ટાળશે.


