અમદાવાદ : અતિશય વરસાદને ભોયંરાની દુકાનો,કોમ્પ્યુટર ક્લાસિસ,છૂટક વેપારીઓને થયેલા કરોડોના નુકસાનના વીમાનાક્લેઈમ મૂકવામાં આવે તો તેમની આર્થિક તકલીફ વધી જાય અને તેમના એકમોને સંકેલી લેવાની નોબત આવે તે પહેલા તેમના વીમાના ક્લેઈમ સેટલ કરી આપવાની માગણી સાથે ગુજરાત ચેમ્બરે આજે ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટીને એક પત્ર લખ્યો છે.
નારોલના વ્હાઈટ ગુડ્સના એટલે કે વોશિંગ મશીન,ટેલિવિઝન,રેફ્રીજરેટર્સ અને કુલર્સ સહિતના ગોદામોમાં પાણી ભરાઈ જતાં ભારેૈ નુકસાન થયુ ંહોવાનું જણાવતા ગુજરાત ચેમ્બરના પ્રમુખ પથિક પટવારીએ કહ્યું હતું કે કેમિકલના નાના એકમોમાં પાણી ભરાઈ જતાં તેમને પણ ખાસ્સું નુકસાન થયું છે.અમદાવાદના સોનીની ચાલી અને ઓઢવના વિસ્તારના નાના નાના અનઓર્ગેનાઈઝ એકમોને પણ ખાસ્સુ નુકસાન થયું છે.શ્યામલ ચાર રસ્તા પાસે વરસાદને કારણે પાણી ભોંયરામાં ભરાઈ જતાં આવેલી કોમ્પ્યુટર ટ્રેનિંગ સેન્ટર્સ ઉપરાંત પાલડી વિસ્તારના અનકે છૂટક વેપારીઓને ખાસ્સું નુકસાન થયું છે.માત્ર અમદાવાદ જ નહિ,ગુજરાતના રાજકોટ,સુરત વડોદરા સહિતના અનેક શહેરોમાં વેપાર ઉદ્યોગના એકમોને ખાસ્સું નુકસાન થયું છે.આ નુકસાનીમાં તેમને રાહત મળી રહે તે માટ ેતેમણે વીમાના ક્લેઈમ મૂક્યા છે.આ ક્લેઈમ વહેલા સેટલ કરી આપવામાં આવે તેવી માગણી ગુજરાત ચેમ્બર તરફથી કરવામાં આવી છે.
ભારે નુકસાનીમાંથી બેઠાં થવા માટે તેમને પૈસાની તાતી જરૃરિયાત હોવાથી અને સમયસર પૈસા ન મળે તો તેમના ધંધા તૂટી પડવાની દહેશત હોવાનું જણાવવામાં આવ્યું છે.તેમના ધંધાઓ ન તૂટી પડે તે માટે તેમના સમયસર અને બનતી ત્વરાએ તેમના વીમા ક્લેઈમ માટેના સરવે કરાવીને ઝડપથી ક્લેઈમ મંજૂર કરવાની માગણી કરવામાં આવી છે.આ સાથે જ શક્ય બને તો તેમના ક્લેઈમ મંજૂર થાય તો તેમને ૭૫ ટકા નાણાં તત્કાળ રિલીઝ કરી આપવાની માગણી પણ કરવામાં આવી છે.તેનાથી વેપાર,ઉદ્યોગ તૂટી પડતા અટકશે.ગુજરાત ચેમ્બરમાં ઇન્સ્યોરન્સ ક્લેઈમ કઈ રીતે મૂકવા તે અંગે માર્ગદર્શન આપવા માટે હેલ્પ ડેસ્ક પણ ચાલુ કરવામાં આવ્યું છે.