અમદાવાદ, તા. ૨ :. આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષ પદે કેબીનેટની એક મહત્વની બેઠક યોજાઈ રહી છે. જેમાં ધો. ૧૨ની બોર્ડની પરીક્ષા,રાત્રી કર્ફયુ,વેપાર-ધંધાના સમયમાં છૂટછાટ આપવી કે નહિ ? એ બધી બાબતો અંગે નિર્ણય લેવામાં આવે તેવી પુરેપુરી સંભાવના છે.
રાજ્યમા કોરોનાના કેસો અને મૃત્યુઆંકમાં ઘટાડો નોંધાતા સરકાર થોડી છૂટછાટ આપવા તૈયાર થઈ હોવાનું જાણવા મળે છે.મળતી વિગત અનુસાર વિવિધ વેપારી એસોસીએશનો દ્વારા કરવામાં આવેલી રજૂઆતોને ધ્યાને લઈ રાજ્ય સરકાર વેપાર-ધંધાનો સમય વધારવા તૈયાર થઈ હોવાનું જાણવા મળે છે.મળતા નિર્દેશો અનુસાર હાલ વેપાર-ધંધાની બપોરે ૩ સુધીની છૂટ છે તે વધુ ૩ કલાક વધારી સાંજે ૬ સુધીની કરવામાં આવે તેવી સંભાવના છે.જો કે કોરોનાના કેસો વધે નહી તેની તકેદારી સ્વરૂપ ૩૬ શહેરોમાં રાત્રી કર્ફયુનો અમલ રાત્રે ૯ થી સવારે ૬ સુધીનો યથાવત રહે તેવી શકયતા છે.
રાજ્યમાં હાલ મોલ,મલ્ટીપ્લેકસ,સિનેમા,સ્વીમીંગ પૂલ,જીમ વગેરે પરના પ્રતિબંધો હજુ ચાલુ રહે તેવી શકયતા છે.અત્રે નોંધનીય છે કે ૪ જૂનના રોજ રાત્રી કર્ફયુ અને બીજી બાબતો અંગેના જાહેરનામાની મુદતો પુરી થઈ રહી છે.જાણવા મળતી વિગતો અનુસાર રાજ્ય સરકાર મંદિરોમાં પ્રવેશ મામલે પણ થોડી છૂટછાટ આપે તેવી શકયતા છે.ભકતો માટે મંદિરોના દરવાજા ફરી ખુલે તેવી પુરેપુરી સંભાવના જણાય રહી છે.હાલ ભકતો માટે મંદિરો બંધ છે માત્ર પૂજારીને જ પ્રવેેશની છૂટ આપવામાં આવી છે.
આજની કેબીનેટની મીટીંગમા ધો. ૧૨ના બોર્ડની પરીક્ષા અંગે પણ નિર્ણય લેવાય તેવી શકયતા છે.રાજ્ય સરકાર કેન્દ્રની જેમ ધો. ૧૨ વિશે પણ નિર્ણય લઈ શકે છે.આજની બેઠકમા બીજી બાબતો ઉપરાંત કોરોનાની સ્થિતિ,મ્યુકોરમાઈકોસીસ,કોરોના, રસીકરણ સહિતની બાબતો અંગે પણ ચર્ચા વિચારણા કરવામાં આવે તેવી શકયતા છે.