– સોશિયલ મીડિયામાં ગોપીપુરાના ફોટો ફરતા થતા દોડી ગયેલા કોર્પોરેટરોએ બેનરો દુર કરાવી દીધા
– સેન્ટ્રલ ઝોનના કોર્પોરેટરો વિરૃધ્ધ શેરીઓમાં બેનર લાગ્યા
સુરત : સુરત મ્યુનિ.ના સેન્ટ્રલ ઝોનમાં ડ્રેનેજની કામગીરી બાદ પાલિકાએ રોડ ન બનાવતાં લોકોનો રોષ કોર્પોરેટરો પર ઉતરી રહ્યો છે.સેન્ટ્રલ ઝોના અનેક વિસ્તારમાં ચુંટાયેલા કોર્પોરેટર વિરૃધ્ધ બેનર લાગ્યા છે.કોર્પોરેટરોએ ત્યાં પહોંચી બેનરો દુર કરાવી દીધા હતા.
સુરત મ્યુનિ.ના સેન્ટ્રલ ઝોનમાં ડ્રેનેજ-પાણીની કામગીરી પુરી થયાં બાદ પણ રોડ ન બનાવતાં અને જ્યાં રોડ બન્યા છે તેની ગુણવત્તા નબળી હોવાથી લોકોમાં ભારે રોષ છે.લોકએ કાળી પટ્ટી બાંધીને વિરોધ કર્યો હતો ત્યારે બાદ કોટ વિસ્તારની અનેક શેરીઓમાં ભાજપના ચુંટાયેલા કોર્પોરેટર વિરૃધ્ધ બેનર લાગી ગયાં હતા.
વોર્ડ નંબર 13 ગોપીપુરા વિસ્તારના ચારેય કોર્પોરેટરોના ફોટા સાથે બેનર લાગી ગયા ંછે. આ બેનરમાં લખાયું છે કે, હમોએ આપને વોટ આપીને ભુલ કરી છે.હવે આ વિસ્તારમાં વોટની ભીખ માગવા માટે આવવું નહીં.કારણ છેલ્લા ચાર મહિનાથી રોડ બન્યો નથી અને આગામી દિવસોમાં વરસાદ આવી રહ્યો છે તેમ છતાં આ વિસ્તારનું કામ થયું નથી.તમો પણ રોડની જેમ ખાડે ગયાં છો. લિ. ગોપીપુરા છીપવાડના નાગરિકો.સ્થાનિક કોર્પોરેટરોના ફોટા સાથે બેનર લાગતાં કેટલાક કોર્પોરેટરો ત્યાં પહોંચી ગયાં હતા અને બેનર હટાવી દીધા હતા.જોકે, કોર્પોરેટર બેનર હટાવે તે પહેલાં આ ફોટા શોશ્યલ મિડિયામા ંવાઈરલ થતાં કોર્પોરેટરો સામે લોકોનો રોષ ખુલીને બહાર આવ્યો છે.