– આ ચોંકાવનારી ઘૃણાસ્પદ જાહેરાત ભારત અને તેની સરકારને ટાર્ગેટ કરવા માટે પ્રકાશિત કરવામાં આવી છે: કંચન ગુપ્તા
વોશિંગ્ટન, તા. 17 ઓક્ટોબર 2022, સોમવાર : અમેરિકાના એક પ્રમુખ સમાચાર વોલ સ્ટ્રીટ જર્નલમાં છપાયેલ એક જાહેરાત હાલમાં વિવાદોમાં છે.આ જાહેરાતમાં ભારતના નાણામંત્રી નિર્મલા સીતારમન સહિત 10 વરિષ્ઠ સરકારી અધિકારીઓને વિદેશી રોકાણકારોના વિરોધી ઠેરવતા તેમને વોન્ટેડ ગણાવ્યા છે.આ જાહેરાતથી ભારતમાં મોટો વિવાદ શરૂ થઈ ગયો છે.આ જાહેરાત એવા સમયે પ્રકાશિત કરવામાં આવી છે જ્યારે નિર્મલા સીતારમન G20ના નાણા મંત્રીઓ અને કેન્દ્રીય બેંકના ગવર્નરોની બેઠકોમાં ભાગ લેવા માટે અમેરિકામાં છે.13 ઓક્ટોબરે પ્રસિદ્ધ થયેલી આ જાહેરાતમાં નિર્મલા સીતારામન ઉપરાંત એન્ટ્રિક્સ કોર્પના ચેરમેન રાકેશ શશિભૂષણ,સોલિસિટર જનરલ તુષાર મહેતા,સુપ્રીમ કોર્ટના જજ હેમંત ગુપ્તા,વી રામાસુબ્રમણ્યમ,સ્પેશિયલ પીસી (પ્રિવેન્શન ઓફ કરપ્શન) એક્ટના જજ ચંદ્રશેખર,સીબીઆઈના ડીએસપી આશિષ પારિક, EDના ડિરેક્ટર સંજય કુમાર મિશ્રા અને એડિશનલ સોલિસિટર જનરલ એન વેંકટરામનના નામ સામેલ છે. આ જાહેરાતમાં EDના આસિસ્ટન્ટ ડાયરેક્ટર આર રાજેશ અને ડેપ્યુટી ડાયરેક્ટર એ સાદિક મોહમ્મદનું પણ નામ સામેલ છે.
માહિતી અને પ્રસારણ મંત્રાલયના વરિષ્ઠ સલાહકાર કંચન ગુપ્તાએ દાવો કર્યો કે, આ અભિયાનને દેવાસ મલ્ટીમીડિયાના પૂર્વ સીઈઓ રામચંદ્રન વિશ્વનાથ ચલાવી રહ્યા છે.તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, ગદ્દારો દ્વારા અમેરિકી મીડિયાને હથિયાર બનાવવું શરમજનક છે.આ ચોંકાવનારી ઘૃણાસ્પદ જાહેરાત ભારત અને તેની સરકારને ટાર્ગેટ કરવા માટે પ્રકાશિત કરવામાં આવી છે.શું તમે જાણો છો કે, તેની પાછળ કોણ છે? આ અભિયાન ભાગેડુ રામચંદ્ર વિશ્વનાથન ચલાવી રહ્યા છે, જે દેવાસના સીઈઓ હતા.