નવી સરકાર સત્તામાં આવ્યા પછી ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના કડક વલણ બાદ ગુજરાતમાં હાલ વ્યાજખોરો વિરુદ્ધ એક મુહિમ ચાલી રહી છે ત્યારે કેટલાક વ્યાજખોરો અને નાગરિકો એવો પણ આક્ષેપ લગાવી રહ્યા છે કે સાહેબોના જ પૈસા બજારમાં ફરી રહ્યા છે તેના માટે કોણ પગલાં ભરશે અને કેવી રીતે એમના સામે જ કાર્યવાહી હાથ ધરાશે ?
અધિકારીઓના વહીવટદારનું મુખ્ય કનેક્શન
હાલ લોક વાયકા પ્રમાણે રાજ્યમાં પોલીસ અને અન્ય વિભાગમાં મોટા હોદ્દા પર ફરજ બાજવતા અધિકારીઓના વહીવટદાર તેમના કાળા નાણાંને મોટા બિલ્ડરને વ્યાજે આપતા હોવાની વાત વહેતી થઈ છે.તેમના વિરુદ્ધ કાર્યવાહી ક્યારે થશે તેવી ચર્ચાએ જોર પકડયું છે.ત્યારે હવે પ્રશ્ન એ પણ છે કે આવા અધિકારીઓ વિરુદ્ધ ફરિયાદ કોણ કરે ? ખુદ અધિકારી જ લોકોને વ્યાજના ચકેડામાં ફસાવતો હોય તો સામાન્ય નાગરિકો કયા જાય ? શું આવા અધિકારીઓ વિરુદ્ધ તપાસના આદેશ સરકાર આપશે કે નહીં તે પણ એક મોટો પ્રશ્ન છે.આજકાલ તો મોટા સાહેબોના વહીવટદાર પણ 1 લાખ રૂપિયાની કિંમતના ફોન વાપરતા હોય છે, 10 લાખની ગાડી લઈને ફરતા હોય છે છતાં કોઈના ધ્યાનમાં આવતા નથી અને બિન્દાસ પણે ફરતા હોય છે.કોઈ પણ પોલીસ મથકમાં આવા વહીવટદાર દેખાઈ જ જાય છે.આટલી મોંઘવારીમાં 30 હજારના પગારદારી અધિકારી જોડે આટલા પૈસા ક્યાંથી આવે તે પણ એક મોટો પ્રશ્ન છે.
ગુજરાતના મોટા શેહરોનું યુવાધન પણ આ વ્યાજના ચંગુલમાં ફસાય છે.નાનીમોટી ઈચ્છાઓ પૂરી કરવાના ચક્કરમાં નાની રકમ નું 100 ગણું વ્યાજ ચૂકવતા હોય છે તેવા પણ કિસ્સા ગુજરાતમાં બનેલા છે.સટ્ટોડિયા થી લઈ ને દારૂનો ધંધો કરતાં લોકો પણ પોલીસના હપ્તા ભરવામાં આ વ્યાજ ના ચક્કરમાં આજે પણ ફસાયેલા છે.ત્યારે જોવાનું રહેશે કે આગામી સમયમાં આ વિરુદ્ધ કોઈ કડક કાર્યવાહી થાય છે કે નહીં ?
ભાવનગરમાં પોલીસ કોન્સ્ટેબલ જ નીકળ્યો મોટો વ્યાજખોર! મહિલાએ ખુલાસો કરતાં IG પણ હચમચી ગયાં
રાજ્યમાં વ્યાજખોરીની ચોંકાવનારી ઘટના સામે આવી છે.જે પોલીસનુ કામ આવા મામલે લોકોની મદદ કરવાનુ છે તે જ પોલીસ અહી વ્યાજખોર થઈને ઉભી છે.ભાવનગરમાંથી સામે આવેલ આ કિસ્સામા પોલીસ કોન્સ્ટેબલ વ્યાજે રૂપિયા આપી પઠાણી ઉઘરાણી કરતો હોવાનો ખુલાસો થતા આઈજી પણ દંગ રહી ગયા હતા.આ વિશે વિગતે વાત કરીએ તો ભાવનગર પોલીસ દ્વારા લોકદરબારનુ આયોજન કરાયુ હતુ.
ભાવનગર પોલીસ દ્વારા લોકદરબારનુ આયોજન
અહી વ્યાજખોરોના દૂષણને અટકાવવા લોકસંવાદ થયો જ્યા રેન્જ IG અને જિલ્લા પોલીસવડાએ પણ હાજરી આપી હતી.આ દરમિયાન જ ઘટસ્ફોટ કરતા એક મહિલાએ રેન્જ IGને જણાવ્યુ કે પોલીસ કોન્સ્ટેબલ જ વ્યાજે રૂપિયા આપી પઠાણી ઉઘરાણી કરે છે. 10% વ્યાજે લીધેલા રૂપિયા માટે કોન્સ્ટેબલ અવારનવાર હેરાન કરે છે.આ સિવાય વાત કરીએ પાટણની તો અહી શહેર જિલ્લા પોલીસ દ્વારા લોક દરબાર કાર્યક્રમ થયો જેમાં રમેશભાઈ પ્રજાપતિ નામના દિવ્યાંગે પોલીસની કામગીરી પ્રત્યે નારજગી વ્યકત કરી હતી.
દિવ્યાંગે પોલીસની કામગીરી પ્રત્યે નારજગી વ્યકત કરી
રમેશભાઈએ મહાનિરીક્ષક જે.આર. મોથલિયાને જણાવ્યું હતું કે, મારા દીકરાએ પોલીસકર્મીના દીકરા પાસેથી 2 લાખ રૂપિયા 30 ટકા વ્યાજે લીધા હતા. 2 લાખની ઉઘરાણી કરવા પોલીસકર્મીનો હવે તેમના પુત્રને ત્રાસ આપી રહ્યા છે.મે આ મામલે પોલીસમાં ફરિયાદ કરી હતી પણ પોલીસકર્મીના દીકરાએ મારા હાથ અને પગ ભાંગી નાખ્યા અને કેસ પાછો ખેંચવા આરોપીના પિતા પણ મને ધમકીઓ આપે છે.
પોલીસકર્મીના દીકરાએ મારા હાથ અને પગ ભાંગી નાખ્યા
આ સિવાય તેમણે જણાવ્યુ કે ફરિયાદ પાછી ખેંચવા કહેવાય રહ્યુ છે.હું હેન્ડીકેફ્ટ છું હું આજે કંઈ કરી શકું તેમ નથી.મને મદદ કરવા વિનંતી.આ મામલે ભુજના રેન્જ IG જે.આર.મોથલિયાએ યોગ્ય કાર્યવાહી કરવાની વાત કરી છે.તેમણે જણાવ્યું હતું કે, આજના લોકદરબારમાં પોલીસકર્મીના દીકરાની વ્યાજખોરીની ઘટના સામે આવી છે.આ રજૂઆત પર અમે તપાસ કરી અને કાયદેસરની કાર્યવાહી કરીશુ.
પોલીસ અધિકારીઓના જ નાણાં વ્યાજે ફરતા હોય ત્યાં વ્યાજખોરોને કોણ નાથે
અમદાવાદ સહિત રાજયભરમાં વ્યાજખોરોના ત્રાસથી ભોગ બનેલા ત્રાહિમામ પોકારી રહ્યા છે.ત્યારે રાજયના ગૃહવિભાગ દ્વારા આગામી 100 દિવસોમાં રાજય પોલીસ દ્વારા વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવાની બડાશો મારી છે.વાસ્તવમાં આખુ ગામ જાણે છે કે, રાજ્યના ઉચ્ચ પોલીસ-વહીવટી અધિકારીઓના મબલખ કાળા નાણાં વ્યાજે ફેરવવામાં આવી રહ્યાં હોય ત્યાં પોલીસ આવા વ્યાજખોરો સામે પગલાં ભરે તે વાત સદંતર હાસ્યાસ્પદ છે.ગૃહવિભાગ અને મંત્રી બધાને આની ખબર જ છે.છેલ્લ પાંચ વર્ષમાં 512 લોકોએ વ્યાજખોરોના ત્રાસથી કંટાળી આત્મહત્યા કરી લીધી છતાં કોઈ વ્યાજખોરને પોલીસે વાળ સુદ્ધાં વાંકો નથી કર્યો એ જ આ હકીકતનો બોલતો પુરાવો છે.
પાંચ વર્ષમાં આત્મહત્યાના કિસ્સા વધ્યા
નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરોના અહેવાલ પ્રમાણે વર્ષ 2017માં 74 પુરુષ-8 મહિલા એમ 82 વ્યક્તિએ દેવાના બોજને લીધે આત્મહત્યા કરી હતી.દેવાના બોજને લીધે આત્મહત્યા કરનારાઓનું પ્રમાણ 2021માં વધીને 158 થઇ ગયું છે.આમ, પાંચ વર્ષમાં દેવાના બોજને લીધે આત્મહત્યા કરનારાના પ્રમાણમાં 90 ટકાથી વધુનો વધારો થયો છે.વર્ષ 2021માં દેવાના બોજને લીધે સૌથી વધુ લોકોએ આત્મહત્યા કરી હોય તેમાં મહારાષ્ટ્ર (1535) સાથે મોખરે,તેલંગાણા (1385) સાથે બીજા,કર્ણાટક (1277) સાથે ત્રીજા જ્યારે ગુજરાત સાતમાં સ્થાને છે.
સટોડિયા,બુટલેગરો પોલીસના હપ્તા માટે પણ વ્યાજમાં ફસાય
ક્રિકેટના સટ્ટો,શેરબજાર અને બુટલેગરો ઉચા વ્યાજે નાણાં લેતા હોય છે.જેમાં ક્રિકેટના બુકીઓને વલણ ચુકવવા માટે નાણાંની જરૂર પડે એટલે વ્યાજખોરો પાસેથી નાણાં ઉચા વ્યાજે લઈ લેતા હોય છે.જયારે શેરબજારમાં ડબ્બાના કામ કરનારાને નુકસાન આવે અથવા તો બજારમાં નાણાં ભરવાના થાય એટલે તુરત મિત્રો અથવા અન્યની મદદથી વ્યાજખોરો પાસેથી નાણાં લેતા હોય છે.આ ઉપરાંત બુટલેગરો દારૂ લાવવા અથવા પોલીસનું ભરણ ભરવા માટે વ્યાજે નાણાં લેતા હોય છે.
રોજના વ્યાજની ઉઘરાણીથી મંથલીની ચુંગાલ
ડેઈલી કલેકશનથી માંડીને મંથલી નામે દસ ટકા વ્યાજ ઉઘરાવવામાં આવી રહ્યુ છે.જેમાં ભાગના વેન્ડરો ડેઈલી કલેકશનમાં દસ હજારથી પચ્ચીસ હજારની ડાયરીમાં નાણાં લેતા હોય છે.જેમાં દરરોજ વ્યાજખોર હપ્તો લઈ જાય છે.જો એક દિવસ પણ હપ્તો ના આપે તો વ્યાજનું વ્યાજ અને દંડ લેતા હોય છે.જયારે મંથલીમાં સરકારી કર્મચારીઓ પાંચથી આઠ ટકાના વ્યાજે નાણાં લેતા હોય છે.જેમાં સરકારી કર્મચારી તેમનું ડેબીટ કાર્ડ આપીને વ્યાજખોર પાસેથી નાણાં લેતા હોય છે.જેમાં સરકારી કર્મચારીનો પગાર થાય એટલે વ્યાજખોર તેમાંથી નાણાં ઉપાડીને કાર્ડ પરત આપતા હોય છે.અમદાવાદ શહેરમાં ઠેર-ઠેર ડાયરી અને મંથલી કલેકશન ચાલી રહ્યા છે.
પોલીસની જ ઢીલી નીતિથી વ્યાજખોરો બેકાબૂ બન્યા : નિષ્ણાતો
કાયદાકીય નિષ્ણાતોના મતે વ્યાજખોરો સામે કડક કાર્યવાહી જોગવાઈ હોવા છતા તાકીદે પગલા ભરવામાં આવતા નથી.જેના લીધે વ્યાજખોરો બેફામ બનતા હોય છે.અગાઉ વ્યાજખોરો સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવતી હતી પરંતુ પોલીસની ઢીલી નીતી અને કાયદાકીય છટકબારીને લીધે વ્યાજખોરો આસાનીથી બહાર નીકળી જતા હોય છે.ખરેખર સરકારે વ્યાજખોરો સામે કડક કાયદાનો અમલ કરવાની સાથે પાસાના કાયદો લગાવે તો જ તેનો વ્યાજખોરો બંધ થશે,બાકી પોલીસ ગણતરીના દિવસો કામ કરશે અને પછી રાબેતા મુજબ ચાલશે.
રાજ્યમાં વ્યાજખોરોનો ત્રાસ, 500થી વધુ લોકોએ આપઘાત કર્યો
રાજ્યમાં વ્યાજખોરોનો ત્રાસ વધતો જાય છે. જેમાં વ્યાજખોરોના ત્રાસથી 500થી વધુ લોકોએ આપઘાત કર્યો છે.તથા છેલ્લા 5 વર્ષમાં 512 લોકોએ આપઘાત કર્યો છે.છેલ્લા 2 વર્ષમાં વ્યાજખોરોના ત્રાસના કિસ્સાઓમાં મોટો વધારો થયો છે. તેમજ વર્ષ 2017માં કુલ 74 લોકોએ આપઘાત કર્યો હતો.
વ્યાજખોરોના લીધે આપઘાતના બનાવો વધ્યા
ઉલ્લેખનીય છે કે વર્ષ 2021-22માં 158 લોકો આપઘાત કર્યો હતો.જેમાં સરકારી કર્મચારી-અધિકારીઓ પણ વ્યાજે નાણાં આપે છે. જેમાં પોલીસની ઢીલી નીતિથી વ્યાજખોરો બેફામ બને છે.સમગ્ર ગુજરાતમાં વ્યાજખોરોના ત્રાસથી લોકો ત્રાહીમામ પોકારી ગયાં છે. વ્યાજખોરોના લીધે આપઘાતના બનાવો પણ વધી રહ્યાં છે.તે ઉપરાંત નાંણા લેનાર લોકોને થતી હોરાનગતિઓ પણ ફરિયાદ સ્વરૂપે પોલીસ સ્ટેશન સુધી પહોંચતી હોય છે.
111 જેટલા વ્યાજખોરોની ધરપકડ કરાઈ
અમદાવાદ પોલીસે વ્યાજખોરોના ત્રાસ અને વ્યાજખોરીને અટકાવવા માટે સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે.શહેરના પોલીસ કમિશ્નર દ્વારા 31 જાન્યુઆરી સુધી એક સ્પેશિયલ ડ્રાઈવ યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.સમગ્ર રાજ્યમાં વ્યાજખોરો સામે પોલીસે તવાઈ બોલાવી છે.સુરતમાં છેલ્લા 10 દિવસમાં 103 ગુના નોંધીને 111 જેટલા વ્યાજખોરોની ધરપકડ કરાઈ છે.જ્યારે 26 વોન્ટેડ જાહેર કરાયાં છે.
સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે અલગ અલગ ટીમ બનાવી
પાંચથી 15 ટકા વ્યાજ વસૂલતા વ્યાજખોરોની ધરપકડ કરવામાં આવી હતી.પોલીસે સુરતના ઝોન પાંચમાં 30 ગુના દાખલ કર્યાં છે.સુરત શહેરમાં ક્રાઈમ બ્રાન્ચે છેલ્લા બે દિવસમાં 16 વ્યાજખોરો વિરુદ્ધ કાર્યવાહી કરી છે.સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે અલગ અલગ ટીમ બનાવી શહેરના અલગ અલગ વિસ્તારમાં ગેરકાયદે ઉચું વ્યાજ વસુલતા 16 જેટલા વ્યાજખોરોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે.
ફાઇનાન્સનો ધંધો કરતા નિવૃત પોલીસ કર્મચારી અને પુત્ર પર હુમલો
પોલીસ વિભાગના નિવૃત કર્મચારીની ફાઇનાન્સ પેઢી પર બુધવારે સાંજે આઠ જેટલી વ્યક્તિઓએ હુમલો કરીને નિવૃત પોલીસ કર્મચારી,તેના પુત્ર અને વેવાઇને માર મારીને ઓફિસમાં તોડફોડ કરવાની સાથે બહાર ઉભેલા વાહનોને નુકશાન પહોંચાડયું હતુ.એટલું જ ઓફિસમાંથી ૧૫ હજારની રોકડની લૂંટ પણ કરી હતી.આ હુમલો જુની અદાવતને ધ્યાનમાં રાખીને કરાયો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે.આ બનાવ અંગે કૃષ્ણનગર પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.નવા નરોડામાં આવેલા ઓમકાર ટેનામેન્ટમાં રહેતા ખુમાનસિંહ વાઘેલા તેના પુત્ર હરિસિંહ અને વેવાઇ રણજીતસિંહ સાથે નિરવ ઇન્ટરસીટી શોપીંગ સેન્ટરમાં ફાઇનાન્સ પેઢી ધરાવે છે.બુધવારે સાંજના સમયે ખુમાનસિંહ તેમના પુત્ર અને વેવાઇ સાથે ઓફિસમાં હતા ત્યારે અચાનક ચાર જેટલા ટુ વ્હીલર્સ પર આઠ લોકો આવ્યા હતા.જેમના હાથમાં લાકડી,પાઇપ અને હોકી જેવા હથિયારો હતા અને ખુમાનસિંહ કંઇ સમજે તે પહેલા ધસી આવેલા લોકોએ બહાર પાર્ક કરી ગાડીઓમાં તોડફોડ કરીને નુકશાન પહોંચાડયું હતુ અને ઓફિસમાં આવીને ફર્નિચર સહિત તોડવાનું શરૂ કરી દીધું હતું.સાથે સાથે તમામ લોકો પર હુમલો પણ કર્યો હતો.આ હુમલાખોરોમાં પાર્શ્વનાથ ટાઉનશીપમાં રહેતો ધમેન્દ્રસિંહ બારડ,પ્રેમવિરસિંહ તોમર,સોહિલ,જોગી,લકી અને શાહુ નામના સ્થાનિક લોકો પણ હતા. હરિસિંહને ધમેન્દ્રસિંહ સાથે થોડા સમય પહેલા તકરાર થઇ હતી. ેજની અદાવત રાખીને આ હુમલો કરાયો હતો.જે અગે કૃષ્ણનગર પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.


