– સોનગઢ નગરના પીપળા ફળિયામાં રહેતા આધેડ દંપતીના જીવનનો કરૂણ અંજામ આવ્યો
સોનગઢના પીપળા ફળિયામાં ખાતે રહેતા એક દંપતી વચ્ચે મંગળવારે રાત્રીના સમયે કોઈક બાબતે ઝગડો થયો હતો.બાદમાં આવેશમાં આવી ગયેલ પતિએ મોડી રાત્રીના સમયે પોતાની પત્નીની ગળે ટૂંપો આપી હત્યા કરી,સુસાઇડ નોટ લખી પોતે પણ ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેવાની ઘટના નગરમાં ચર્ચાસ્પદ બની હતી. સોનગઢ પોલીસે સ્યુસાઇડ નોટ કબ્જે લીધી હતી.સોનગઢ નગરમાં પીપળા ફળિયામાં રહેતા અર્જુનભાઇ આંનદાભાઈ હિરે (65) પોતાના જ ઘરે વેલ્ડીંગનું નાનું મોટું કામ કરી જીવન ગુજરાન ચલાવે છે.
પરિવારમાં ત્રણ દીકરીઓ છે.અને એમના લગ્ન થઈ ગયા છે.જ્યારે અર્જુનભાઇ સાથે એમના પત્ની શુશીલાબહેન હિરે(60) રહેતા હતા.મંગળવારે રાત્રીના સમયે ફળિયામાં લગ્ન હતા જેથી આ દંપતી પણ મોડે સુધી જાગ્યા હતા,અને મોડેથી ઘરે ગયા હતા.ઘરે મોડી રાત્રીએ કોઈક બાબતે એમની વચ્ચે ઝગડો થયો હતો,અને ઝગડા દરમિયાન આવેશમાં આવી ગયેલા અર્જુનભાઈએ સાડી વડે પોતાની પત્ની શુશીલાબેનને ગળે ટૂંપો આપીને હત્યા કરી નાખી હતી.ત્યારબાદ એમને મનોમન પસ્તાવોનો ભાવ ઉભો થયો હતો,અને અર્જુનભાઇએ એક સુસાઈડનોટ લખીને ઘરના આડિયા સાથે દોરડું બાંધી ગળે ફાસો ખાઈ પોતાનું જીવન પણ ટૂંકાવી નાખ્યું હતું.આ ઘટના અંગે વહેલી સવારે પાડોશીઓને જાણ થતાં એમણે પોલીસને બોલાવી હતી.પોલીસે સ્થળ પર થી અર્જુનભાઇએ મરાઠી ભાષામાં લખેલ સ્યુસાઇડ નોટ કબ્જે લીધી હતી.આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી પોલીસ ગુનો નોંધવાની કાર્યવાહી કરી રહી હતી.
મકાન વેચી મળેલા નાણા હત્યાનું કારણ બન્યા?
અર્જુનભાઇ પહેલાં સુરત ખાતે એક ચાલીમાં રહેતા હતા.તાજેતરમાં એમણે એ મકાન પાંચ લાખમાં વેચ્યું હતું,જેમાંથી 4 લાખ બેન્કમાં જમા કરાવ્યા હતા અને 1 લાખ ઘરે લાવ્યા હતા.સ્થાનિકોમાં ચાલતી ચર્ચા પ્રમાણે આ નાણાં જ દંપતી વચ્ચે ઝઘડાનું કારણ બન્યા હોવાની સંભાવના છે.
મુશ્કેલીમાં મારી મદદ કરવા કોઇ તૈયાર નહોતું
અર્જુનભાઈના ઘરે મરાઠી ભાષામાં લખેલી સ્યુસાઇડ નોટ મળી હતી જે મુજબ આજ દિન સુધી મેં મારા કુટુંબના તમામ લોકો નું સારું જ કરતો આવ્યો છું અને હું બધાનો ખર્ચ પણ કરતો આવ્યો છું.પરંતુ મારી મુશ્કેલીમાં મને કોઈ મદદરૂપ થવા તૈયાર નથી. હું બધાનું માન રાખતો આવ્યો છું.પરંતુ મારી પત્ની મારુ માન રાખતી નથી.જેથી હું સાડી વડે ગળું દબાવી એને મારી નાંખી છે.


