સુરત,તા.05 મે 2023,શુક્રવાર : સુરતમાં ચોંકાવનારી ઘટના બની છે.અહીં અઠવાલાઈન્સ રોડ પર આવેલા કોર્ટની સામે કેબલ બ્રિજની નીચે રોડ પર જાહેરમાં એક યુવકની નિર્મમ હત્યા થઈ છે.યુવકને સરાજાહેર રહેંસી નાંખવામાં આવેલી આ ઘટના ત્યારે બની છે જ્યારે સવારે કોર્ટ સામેના રોડ પર ભારે ટ્રાફિક હોય છે.લોકોની સતત અવરજવર રહેતી હોય ત્યારે યુવકની ધારદાર હથિયારથી હત્યા કરવામાં આવી છે.હત્યાનું આ લાઈવ દ્રશ્ય જોઈ લોકો ડરી ગયા હતા અને નાસભાગ મચી ગઈ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર આજે સવારે અઠવાલાઈન્સ ખાતે કોર્ટની સામે અજાણ્યા ઈસમોએ ચપ્પુના ઘા ઝીંકી એક યુવકની હત્યા કરી છે.યુવક બુલેટ પર જઈ રહ્યો હતો ત્યારે કોર્ટ પરિસરની સામે તેની પર હુમલો થયો હતો.હુમલાખોરોએ આડેધડ ચપ્પુના ઘા ઝીંકી તેને સરાજાહેર રહેંસી નાંખ્યો હતો.લોહીલુહાણ યુવકને સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો,જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના સચીન પોલીસ મથકમાં હત્યાના ગુનામાં ઝડપાયેલો આરોપી આજે બપોરે કોર્ટની તારીખ હોય હાજરી આપવા બુલેટ પર આવ્યો હતો.જોકે, કોર્ટ બિલ્ડીંગની સામે જ કેબલ બ્રિજ નજીક મોપેડ આવેલા બે અજાણ્યા તેના પર ચપ્પુના ઘા ઝીંકી કેબલ બ્રિજ ચઢી ફરાર થઈ ગયા હતા.ગંભીર ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે 108 એમ્બ્યુલન્સમાં હોસ્પિટલમાં ખસેડાયો હતો.જોકે, ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. સરેઆમ બનેલી હત્યાની ઘટનાને પગલે ઉમરા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી.