અમદાવાદ : ગુજરાતની શાળાઓમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાના પાઠ ભણાવવાના સરકારના નિર્ણયને હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો છે.આ મામલે એક જાહેરહિતની અરજી કરીને એવો દાવો કરાયો છે કે શ્રીમદ્ ભગવદ્ ગીતાને અભ્યાસક્રમમાં સામેલ કરવાનો સરકારી ઠરાવ કાયદા,બંધારણ અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિથી વિપરીત છે.સરકારના નિર્ણયને રદ કરવાની દાદ માગતી આ રિટની સુનાવણી બાદ હાઇકોર્ટના જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ એ.જે.શાસ્ત્રીની ખંડપીઠે રાજ્ય સરકારને નોટિસ પાઠવીને સમગ્ર મામલે તેઓ શું સ્પષ્ટતા કરવા માંગે છે તેનો જવાબ સોગંદનામા મારફતે કરવાનો આદેશ કર્યો છે.આ કેસની વધુ સુનાવણી ૧૮મી ઓગસ્ટના રોજ રાખવામાં આવી છે.
અરજદાર સંસ્થા જમીયત ઉલેમા-એ-હિંદ ગુજરાત તરફથી એડવોકેટ ઇસા હકીમ વતી સિનિયર એડવોકેટ મિહિર જોષીએ આ જાહેરહિતની અરજીમાં એવી રજૂઆત કરી હતી કે,‘સરકારના આ નિર્ણયથી એવો ગંભીર પ્રકારનો પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે કોઇ પણ એક ધર્મના પવિત્ર ગ્રંથને આ રીતે તમામ શાળાના અભ્યાસક્રમમાં કે પ્રાર્થનામાં સામેલ કરવાનો નિર્ણય લઇ શકાય કે કેમ? જ્યાં સુધી મૂલ્યો,સિદ્ધાંતોના અભ્યાસનો સવાલ છે તો એ તો ભારતીય સંસ્કૃતિના તમામ ધર્મોના મૂલ્યો અને આદર્શો અને જ્ઞાન પ્રણાલીનો શાળામાં વિવિધ સ્તરે સર્વાંગી સમાવેશ કરી શકાય.
પરંતુ સવાલ એ છે કે શું માત્ર કોઇ એક ધર્મના ગ્રંથને સમગ્ર ભારતીય સંસ્કૃતિના મૂલ્યો અને સિદ્ધાંતો માટે પ્રાધાન્ય કે પ્રાથમિકતા આપી શકાય? ભારતીય સંસ્કૃતિનો વ્યાપ તો વિશાળ અને વિસ્તૃત છે તો એને કોઇ પણ એક ધર્મ પૂરતો સીમિત કઈ રીતે રાખી શકાય.તેથી કોઇ પણ એક ધર્મના ગ્રંથોમાં જે મૂલ્યો અને સિદ્ધાંતો છે તે જ શાળાઓમાં ભણાવવામાં આવે એવો આદેશ કરવો એ બંધારણની મૂળ વિભાવના, કાયદાના પ્રસ્થાપિત સિદ્ધાંતો અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિના આશયથી સંપૂર્ણ પણે વિરોધાભાસી છે.’
અરજદાર તરફથી કોર્ટને એ પણ જણાવવામાં આવ્યું હતું કે સરકારનો નિર્ણય ખુદ રાષ્ટ્રીય શિક્ષણ નીતિથી વિપરીત છે.રજૂઆતમાં દલીલ કરાઇ હતી કે,‘રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં કહેવામાં આવ્યું છે કે શિક્ષણ વ્યવસ્થાનો આશય વ્યાજબી,વિવેકપૂર્ણ અને બૌદ્ધિક વિચારો રાખતા માણસોનો વિકાસ કરવાનો છે.શિક્ષણ વ્યવસ્થાનો આશય સમાજને એવી વ્યક્તિ આપવાનો છે કે જે કરુણા,નૈતિકતા,સાહસિકતા,લવચિકતા, વૈજ્ઞાનિક સ્વભાવ અને સર્જનાત્મક કલ્પનાના ગુણો ધરાવતા હોય.
જેથી આવી વ્યક્તિઓ બંધારણની કલ્પના મુજબ સર્વ સમાવેશી અને બહુમતી વિચારો ધરાવતા સમાજનું નિર્માણ કરી શકે.જોકે સરકારે માત્ર એક ધર્મના પવિત્ર ગ્રંથને અભ્યાસમાં સામેલ કરવાનો નિર્ણય કર્યો છે અને સર્વ સમાવેશી અને બહુમતી વિચારોની બંધારણીય અવધારણા ઉપર કુઠારાઘાત કર્યો છે.તેથી સરકારનો નિર્ણય અયોગ્ય અને ગેરવ્યાજબી અને ગેરબંધારણીય જણાય છે.’
અરજદારની દલીલ છે કે,‘બંધારણના અનુચ્છેદ ૨૮માં સ્પષ્ટ જોગવાઇ છે કે સરકાર દ્વારા ભંડોળ મેળવતી શૈક્ષણિક સંસ્થાઓ કે શાળાઓને સરકાર કોઇ પણ પ્રકાર ધાર્મિક નિર્દેશો કે સૂચનો કરી શકે નહીં.તે ઉપરાંત ફ્રીડમ ઓફ કોન્શિયન્સ(અંતરાત્માની સ્વતંત્રતા)અને ફ્રીડમ ઓફ પ્રેક્ટિસ રિલિજિયન(પોતાની પસંદગીના ધર્મનું પાલન કરવાની સ્વતંત્રતા)ના બંધારણીય અધિકારો પર સરકારનો આ નિર્ણય તરાપ મારે છે.