પ્રતિબંધના આદેશો છતાં શાહીનબાગથી લોકો નહિ હટે તો કેસ થશેઃ બે વર્ષ સુધીની સજાની જોગવાઈ
નવી દિલ્હી, તા. ૧૭ :કોરોનાના વધતા ખતરાને ધ્યાને રાખી દિલ્હી સરકારે લગ્નો સિવાય ૫૦થી વધુ લોકોની ભીડ એકઠી થવા પર ૩૧ માર્ચ સુધી પ્રતિબંધ ફરમાવ્યો છે.આનુ ઉલ્લંઘન કરનાર વિરૂદ્ધ કાર્યવાહી થશે.જેમાં વધુને વધુ ૨ વર્ષ સુધીની સજા અને દંડનો સમાવેશ થાય છે.નવો આદેશ સીએએ વિરૂદ્ધ શાહીનબાગમાં ચાલી રહેલા આંદોલનને પણ લાગુ થશે.મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યુ છે કે જો કોઈ નહિ માને તો સંબંધીત વિસ્તારના જિલ્લા મેજીસ્ટ્રેટ દિલ્હી પોલીસની મદદથી કાર્યવાહી કરશે.આ કાર્યવાહી કલમ ૧૮૮,૨૬૯ તથા ૨૭૦ હેઠળ થશે.દરમિયાન શાહીનબાગના વિરોધકારો હટવા તૈયાર નથી.હજુ પણ પ્રદર્શન ચાલુ છે.જો કે પહેલા જેટલી ભીડ નથી પણ ૧૦૦થી વધુ લોકો હાજર રહેતા હોય છે.છેલ્લા ૯૩ દિવસથી અહીં આંદોલન થાય છે. વિરોધ કરનાર હિના અહેમદના કહેવા મુજબ જરૂર પડયે ૫૦ – ૫૦ ના સમુહ બનાવી પ્રદર્શન સ્થળ પર બેસવામાં આવશે.તેઓએ કહ્યુ હતુ કે,અમારા નકાબ જ અમારા માસ્ક કહી શકાય.અમે બધા સાવચેતીના પગલા લઈ રહ્યા છીએ.જે મહિલા નકાબ પહેરીને નથી આવતી તે માસ્ક પહેરીને આવે છે.સરકાર કોરોનાના નામે અમને ડરાવે છે.