મુંબઈ, તા. 19 જુલાઈ 2022 મંગળવાર : મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ સોમવારે પોતાના સમર્થક ધારાસભ્યો સાથે બેઠક કરી,જેમાં શિવસેનાની જૂની રાષ્ટ્રીય કાર્યકારી ભંગ કરીને નવી કાર્યકારી જાહેર કરવામાં આવી.નવી કાર્યકારીએ એકનાથ શિંદેને શિવસેનાના મુખ્ય નેતા પસંદ કર્યા,પરંતુ મહત્વની વાત એ રહી કે પાર્ટી અધ્યક્ષ તરીકે ઉદ્ધવ ઠાકરેની માન્યતા યથાવત રાખવામાં આવી.
શિવસેનાની નવી કાર્યકારીમાં દીપર કેસરકરને પાર્ટીના પ્રવક્તા નિયુક્ત કરાયા.જ્યારે રામદાસ કદમ અને આનંદરાવ અડસુલને નેતા પસંદ કરાયા.યશવંત જાધવ,ગુલાબરાવ પાટીલ,ઉદય સામંત,શરદ પોંકશે,તાનાજી સાવંત,વિજય નાહટા,શિવાજીરાવ અધરાવ પાટીલને ઉપનેતા પસંદ કરાયા છે.
બેઠકમાં શિવસેના નેતૃત્વ વિરુદ્ધ એકનાથ શિંદે જૂથના વિદ્રોહ દરમિયાન ઉદ્ધવ ઠાકરેને પોતાનુ સમર્થન આપનારા 14 ધારાસભ્યોએ પણ પાર્ટીના કાર્યકારી સભ્યોની નિયુક્તિના પ્રસ્તાવોને અપનાવ્યા.
ઉદ્ધવ ઠાકરેએ મુંબઈ,પાલઘર,યવતમાલ,અમરાવતી સહિત અન્ય જિલ્લામાં 100થી વધારે નવા પદાધિકારીઓની નિયુક્તિ કરી હતી.તેમના આ નિર્ણય બાદ શિંદે જૂથની બેઠક થઈ અને ઉપરના તમામ નિર્ણય લેવામાં આવ્યા.


