રાજકોટ તાજેતરમાં જ સુરત અને અમદાવાદમાં શ્રીધર યુનિવર્સિટીની નકલી ડિગ્રી અપાતી હોવાનું કૌભાંડ બહાર આવ્યું હતું ત્યારે આ યુનિવર્સિટીની બોગસ માર્કશીટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પણ પહોંચી છે.આ અંગે ઊંડી તપાસ કરતા એક વિદ્યાર્થીની નકલી માર્કશીટ હાથ લાગી છે. પંડ્યા ઉપમન્યુ નામના આ વિદ્યાર્થીએ રાજસ્થાનની શ્રીધર યુનિવર્સિટીની એક-બે નહીં 8 બી.ટેક.ની નકલી માર્કશીટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં રજૂ કરી એલએલબીમાં એડમિશન પણ લઇ લીધું અને કોર્સ પૂરો પણ કરી લીધો.વર્ષ 2014માં આ વિદ્યાર્થી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નકલી માર્કશીટ રજૂ કરીને ભણી ગયો,પરંતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને છેક 2020માં ખબર પડી કે આ માર્કશીટ ખરેખર નકલી છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ડિગ્રીની ખાતરી જ નથી કરતું!
યુનિવર્સિટી તંત્ર દ્વારા આ શ્રીધર યુનિવર્સિટીને પત્ર લખી માર્કશીટ વેરિફાય કરવા જણાવતા આખરે આ માર્કશીટ નકલી હોવાનું સાબિત થયું હતું અને આ વિદ્યાર્થીનું રજિસ્ટ્રેશન સિન્ડિકેટમાં મૂકીને રદ કરાયું હતું,પરંતુ સૌથી મોટી અને મહત્ત્વની બાબત એ છે કે,જ્યારે કોઇપણ વિદ્યાર્થી એડમિશન લેવા આવે ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જે-તે વિદ્યાર્થીએ રજૂ કરેલી માર્કશીટ કે ડિગ્રી અસલી છે કે નકલી તેની કોઈપણ પ્રકારની ખાતરી કર્યા વિના જ એડમિશન આપી દેવાય છે.હાલ એક જ વિદ્યાર્થીની 8 નકલી માર્કશીટ બહાર આવી છે,પરંતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આવી અનેક નકલી માર્કશીટ પડી હોવાનું પણ જાણવા મળ્યું છે.
UGCની સાઈટ પર ફેક યુનિ.નું લિસ્ટ છે, છતાં વેરિફાય કરાતું નથી
યુજીસીની વેબસાઈટ પર દેશભરમાં જેટલી ફેક યુનિવર્સિટી જાહેર થઇ છે તેનું આખું લિસ્ટ ઉપલબ્ધ છે,પરંતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિદ્યાર્થીઓને એડમિશન લેવા સમયે એવું કશું ચેક કરતું નથી.માત્ર જે-તે યુનિવર્સિટી કે કોલેજનો સિક્કો મારેલો હોય એટલે એડમિશન આપી દેવાય છે.
અગાઉ NIOSની બોગસ માર્કશીટ પકડાઈ હતી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં NIOS (નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ)ની ધોરણ-12ની બોગસ માર્કશીટ થકી બીએસ.સી નર્સિંગમાં પ્રવેશ લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે આ શંકાસ્પદ માર્કશીટ અધિકારીઓને ધ્યાને આવતાં જ તે વિદ્યાર્થીનું એડમિશન અટકાવી દેવાયું હતું.જોકે જે શૈક્ષણિક સંસ્થાની આ માર્કશીટ હતી તેના અધિકારીઓએ મૌખિક રીતે આ માર્કશીટ તપાસીને સંપૂર્ણપણે બોગસ હોવાનું જણાવી દીધું હતું,પરંતુ યુનિવર્સિટીએ બોગસ માર્કશીટ અંગેની બાબત છુપાવી રાખી હતી.
દોષિતો સામે પગલાં ભરાશે
શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા આ મામલે જણાવતા કહે છે કે,બોગસ ડિગ્રી બાબતે પોલીસ તપાસ કરી રહી છે.તપાસમાં જે દોષિતો બહાર આવશે તેમની સામે પગલા ભરાશે. કોઈને છોડાશે નહીં.