ગાંધીનગર : નેશનલ એલાયન્સ ઓફ પીપલ્સ મુવમેન્ટ (એનએપીએમ) અને નર્મદા બચાવ આંદોલનના નેતૃત્વમાં 28 જેટલા નાગરિક અધિકારો અને લોકલ લેવલના સંગઠનોએ મધ્યપ્રદેશની શિવરાજસિંહ સરકાર સામે મોરચો ખોલ્યો છે.રાજ્યમાં 1320 મેગાવોટના થર્મલ પાવર પ્લાન્ટ સ્થાપિત કરવા માટે અદાણી જૂથ સાથેની સમજૂતિનો વિરોધ કર્યો છે.
મધ્યપ્રદેશમાં આગામી 10 વર્ષ સુધી ખૂટે નહીં તેટલી સરપ્લસ વીજળી છે તેવો દાવો ખુદ સરકારી કંપની કરી રહી છે છતાં અદાણી જૂથ પાસેથી વીજળી લેવાની કેમ જરૂર પડી તે સવાલ છે.મધ્યપ્રદેશની સરકારની પાવર મેનેજમેન્ટ કંપની લિમિટેડ દ્વારા અદાણી પાવર આર્મ પેન્ચ થર્મલ એનર્જી સાથે 1320 મેગાવોટની વીજળીની ખરીદીનો પાવર પરચેજ એગ્રીમેન્ટ કર્યો છે. આ વીજળીનો કરાર 25 વર્ષ માટે કરવામાં આવ્યો છે.આ સંગઠનોએ કહ્યું છે કે સાસણ અલ્ટ્રા મેગા પાવર પ્લાન્ટની સરખામણીએ અદાણી જૂથ સાથેનો આ કરાર ખૂબ મોંઘો છે.
અદાણી જૂથ પાસેથી વીજળી ખરીદ કરવાના કરાર અંગે આ જન પ્રતિનિધિ સંગઠનોએ દાવો કર્યો છે કે રિલાયન્સ નિયંત્રિત સાસન યુએમપીપીનો પ્રતિ યુનિટ દર 1.194 રૂપિયા છે, જ્યારે અદાણીનો દર પ્રતિ યુનિટ 4.79 રૂપિયા છે જે ચારગણો વધારે છે.મધ્યપ્રદેશમાં સૌથી પહેલીવાર આ પ્રકારનો સૌથી મોટો દર જોવામાં આવ્યો છે જે ભારત સરકારની ટેરીફ નીતિનું સરેઆમ ઉલ્લંઘન છે.
આ સંગઠનોએ કહ્યું છે કે એક તરફ રાજ્ય સરકાર કોલસાથી ચાલતા થર્મલ પાવર પ્લાન્ટની વીજળી ખરીદવા માટે સમજૂતિ કરાર કરી રહી છે પરંતુ બીજી તરફ સોલાર અને પવનચક્કી જેવી રિન્યુએબલ એનર્જીની વીજળી યોજનાઓથી ઉત્પન્ન થતી વીજળીની ખરીદ કિંમત પ્રતિ યુનિટ ઓછી આંકે છે.સોલાર ઉર્જાનો પ્રતિ યુનિટ હાલનો દર 2.49 રૂપિયા સુધી નીચે ઉતરી ગયો છે.


