અમદાવાદ, તા. 17 ફેબ્રુઆરી, 2022, ગુરૂવાર : ગુજરાતમાં ધાર્મિક તહેવારોની સીઝન શરૂ થઈ રહી છે.આવતા મહિને શિવરાત્રિ છે અને સંતજનોની સાથે ભકતજન અને સામાન્ય જનતા પણ પૂજા-અર્ચનાનો લાભ મેળવવા માટે સરકારની મંજૂરીની રાહ જોઈ રહ્યાં હતા.અંતે જૂનાગઢના જિલ્લા કલેક્ટરે કડક સૂચનો આસ્થાને ધ્યાને રાખીને મેળો યોજવાની પરવાનગી આપી છે.
ભારતના પ્રાચીન જૂનાગઢમાં યોજાતો ભવનાથનો મેળો છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીને પગલે રદ્દ કરવો પડ્યો હતો પરંતુ 2022માં કોરોના રસીકરણ અને ત્રીજી લહેરની ઓટને જોતાં અંતે સરકારે ભવાનથના પવિત્ર મેળાને યોજવા માટે મંજૂરી આપી છે.
અનેક ચર્ચા-વિચારણાને અંતે જૂનાગઢના કલેક્ટરે શિવરાત્રિના તહેવારે જૂનાગઢની તળેટીમાં યોજાતો ભવનાથનો મેળો યોજવા માટે મંજૂરી આપી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે દર વર્ષે મહા શિવરાત્રીના મેળામાં 12થી 15 લાખ ભાવિકો અહિં દર્શનાર્થે આવતા હોય છે પરંતુ છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીને લઈને મોટી સંખ્યામાં ભાવિકો એકત્ર ના થાય અને તેઓ ઘરે બેઠા શિવરાત્રીના મેળાની પરંપરાગત ઉજવણી માણી શકે તે માટે લાઈવ પ્રસારણ કરવામાં આવતું હતુ.


