શિવલિંગ પર તાંબા,ચાંદી અથવા સોનાના લોટાથી જળ ચઢાવવું જોઈએ,સ્ટીલ અથવા લોખંડના લોટાથી જળ ન ચઢાવવું
આજે મહાશિવરાત્રિ પર શિવજીને જળઅભિષેક કરવાનું વિશેષ મહત્ત્વ હોય છે.જળઅભિષેક એટલે કે શિવજીને જળથી સ્નાન કરાવવું.શિવજીનું એક નામ રુદ્ર પણ છે,તેથી જળઅભિષેકને રુદ્રાભિષેક પણ કહેવામાં આવે છે.તાંબાના લોટોથી શિવલિંગ પર જળની ધારા અર્પિત કરવામાં આવે છે.શિવલિંગ પર જળ કેમ ચઢાવવામાં આવે છે,આ વિશે સમુદ્ર મંથનની કથા પ્રચલિત છે.
ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પ. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે,શિવજીને એવી વસ્તુ અર્પિત કરવામાં આવે છે જે ઠંડક આપે છે, જેમ કે જળ,દૂધ,દહીં,ઘી,મધ.શીતલતા માટે શિવજી ચંદ્રને પોતાના મસ્તક પર ધારણ કરે છે.સમુદ્ર મંથન સાથે સંબંધિત કથાના અનુસાર,પ્રાચીન સમયમાં જ્યારે દેવતાઓ અને દાનવોએ મળીને સમુદ્ર મંથન કર્યું,ત્યારે ઘણા રત્નો નીકળ્યા હતા.આ રત્નો પહેલાં હળાહળ નામનું ભયંકર ઝેર નીકળ્યું હતું.આ વિષને કારણે સમગ્ર સૃષ્ટિના તમામ જીવોના પ્રાણ સંકટમાં મુકાયા હતા; ત્યારે શિવજીએ આ ઝેર પી લીધું હતું,પરંતુ આ ઝેર તેમને ગળાથી નીચે ન ઊતરવા દીધું.એને કારણે શિવજીનું ગળું વાદળી થઈ ગયું અને તેઓ નીલકંઠ તરીકે ઓળખાવા લાગ્યા.
ઝેર પીવાને કારણે શિવજીના શરીરમાં તીવ્ર બળતરા થવા લાગી,ગરમી વધવા લાગી.આ બળતરાથી મુક્તિ માટે શિવજીને ઠંડું જળ ચઢાવવાની પરંપરા શરૂ થઈ.ભોળાનાથને ઠંડક આપતી વસ્તુઓ જ વિશેષ રૂપથી ચઢાવવામાં આવે છે,જેથી ઝેરની ગરમી શાંત થઈ શકે.
તાંબાના લોટોથી જળ ચઢાવવું
શિવલિંગ પર તાંબા,ચાંદી અથવા સોનાના લોટાથી જળ ચઢાવવું જોઈએ.સ્ટીલ અથવા લોખંડના લોટાથી જળ ન ચઢાવવું.જળ ચઢાવતી વખતે શિવજીના મંત્રોનો જાપ કરવો જોઈએ.જળની સાથે જ શિવલિંગ પર દૂધ,દહીં,મધ પણ ચઢાવવું જોઈએ.આ રીતે અભિષેક કર્યા બાદ શિવલિંગ પર બીલીપત્ર,ધતૂરો,આંકડાનાં ફૂલ વગેરે અર્પિત કરવાં.ધૂપ અને દીપ પ્રગટાવીને આરતી કરવી.ભગવાનના મંત્રોનો જાપ કરવો.


