મુંબઈ : મહારાષ્ટ્રના રાજકારણમાં ચાલી રહેલી કટોકટી વચ્ચે સુપ્રીમ કોર્ટે શિવસેનાના બળવાખોર વિધાનસભ્ય એકનાથ શિંદે સહિત અન્યોને નાયબ સ્પીકરે ગેરલાયક ઠેરવવાની આપેલી નોટિસનો જવાબ નોંધાવવા ૧૧ જુલાઈ સુધીનો સમય લંબાવીને રાહત આપી છે.કોર્ટે વિધાનસભાના નાયબ સ્પીકર અને રાજ્ય સરકારને અરજીનો જવાબ આપવાનો નિર્દેશ આપીને સુનાવણી ૧૧ જુલાઈ પર રાખી છે. સુપ્રીમના ચુકાદાનો મતલબ છે કે હવે કમસે કમ ૧૧ જુલાઈ સુધી તેમને ગેરલાયક ઠેરવવા સંબંધી કોઈ કાર્યવાહી થઈ શકશે નહીં.
બળવાખોરોને તેમના જવાબ આપવા માટેની ડે.સ્પીકરે આપેલી મુદ્દત આજે સાંજે ૫.૩૦ વાગ્યે પૂરી થતી હતી.પરંતુ, હવે આ મુદતને ન્યા.સૂર્યકાંત અને ન્યા.પારડીવાલાની વેકેશન બેન્ચે લંબાવી છે.નાયબ સ્પીકરે ૧૬ બળવાખોર વિધાનસભ્યોને ગેરલાયક ઠેરવવાની આપેલી નોટિસને શિંદે ગુ્રપે પડકારી હતી સાથે જ શિવસેનાના વિધાનમંડળ જૂથ નેતા તરીકે અજય ચૌધરીની નિયુક્તિને પણ પડકારી હતી.કોર્ટ ૩૯ બળાવખોર વિધાનસભ્યોના જીવને કે તેમની માલમતાને કોઈ નુકસાન કરાશે નહીં એવી રાજ્ય સરકારની ખાતરીને રેકોર્ડ પર લીધી હતી.બળવાખોર વિધાનસભ્યો હાલ ગુવાહાટીની હોટેલમાં રોકાયા છે.
કોર્ટે સવાલ કર્યો હતો કે તમે હાઈ કોર્ટને બદલે સીધા સુપ્રીમ કોર્ટ કેમ આવ્યા? આના જવાબમાં બંડખોરો વતી જણાવાયું હતું કે નેતાઓના મડદા પડશે એવા નિવેદનો કરવામાં આવી રહ્યા હોવાથી બોમ્બે હાઈ કોર્ટમાં જતાં અમને જાનનું જોખમ લાગી રહ્યું છે.વળી આ પ્રકરણ સુપ્રીમ કોર્ટમાં આવવા જેટલું ગંભીર છે.
વિધાનસભા પક્ષ જૂથના નેતા અનિલ ચૌધરી અને શિવસેનાના ચીફ વ્હીપ સુનીલ પ્રભુ ના વકિલ દેવદત્ત કામતે આ મુદ્દો ઉકેલાય નહીં ત્યાં સુધી ફ્લોર ટેસ્ટ નહીં કરવાનો વચગાળાનો આદેશ આપવાની દાદ માગતાં કોર્ટે આ વિનંતી નકારી કાઢી હતી.કામતે દલીલ કરી હતી કે ફ્લોર ટેસ્ટ કરવામાં આવે એવી ચિંતા છે.જો કરાશે તો કોર્ટનો જૈસે થેનો આદેશ ફરી જશે.જોકે બેન્ચે જણાવ્યું હતું કે જો કંઈ ગેરકાયદે થાય તો પ્રતિવાદી કોર્ટમાં આવી શકે છે.શિંદે અને તેમના ટેકેદારો વતી વરિષ્ઠ વકીલ નીરજ કિશન કૌલે સુપ્રીમ કોર્ટમાં દલીલ કરી હતી કે નાયબ સ્પીકર તેમની સામે ગેરલાયક ઠેરવવાની પ્રક્રિયા શરૃ કરી શકે નહીં ખાસ કરીને જ્યારે તેમની સામે જ હોદ્દા પરથી દૂર કરવાનો ઠરાવ વણઉકેલાયેલો છે.
શિવસેનાના સત્તાવાર જૂથ તરફથી વકિલ ડો.અભિષેક મનુ સિંઘવી અને દેવદત્ત કામતે દલીલ કરી હતી સભ્યોને ગેરલાયક ઠેરવવાની કાર્યવાહીમા ંકોર્ટ અધવચ્ચેથી મધ્યસ્થી કરી શકે નહીં.સ્પીકરને દૂર કરવાની બળવાખોરોએ આપેલી નોટિસની કાયદેસરતા પર પણ તેમણે સવાલ કર્યો હતો અને જણાવ્યું હતું કે અજાણ્યા ઈમેઈલ પરથી નોટિસ મોકલવામાં આવી છે.નાયબ સ્પીકર વતી વરિષ્ઠ વકિલ રાજીવ ધવને નોટિસની સત્યતા પર સવાલ કર્યો હતો. સભ્યોએ નોટિસ સાચી છે એ દર્શાવવા નાયબ સ્પીકર સામે સભ્યોએ હાજરી આપવી જોઈએ. ત્યાં સુધી ગેરલાયક ઠેરવવાનો કોઈ નિર્ણય લેવાશે નહીં એવી મૌખિક ખાતરી તેમણે આપી હતી.


