મીરા-ભાઈંદર,વસઈ-વિરાર,કલ્યાણ-ડોમ્બિવલી,નવી મુંબઈ,ઉલ્હાસનગર સહિતની મહાનગરપાલિકાના નગરસેવકોએ શિવસેનાને બચાવવા માટે સાથે હોવાનું જણાવ્યું એકનાથ શિંદેએ બળવો કરીને શિવસેનાના મોટા ભાગના વિધાનસભ્યોને પોતાની સાથે કરી લીધા છે.એટલું જ નહીં,ચાર દિવસથી ચાલી રહેલા બળવાના આ ડ્રામામાં શિવસેનાના અનેક સંસદસભ્યો પણ તેમની સાથે હોવાનું મનાઈ રહ્યું છે ત્યારે હવે મુંબઈની આસપાસ તેમ જ રાજ્યની કેટલીક મહાનગરપાલિકાના ૪૦૦થી વધુ નગરસેવકોએ પણ એકનાથ શિંદેને સમર્થન આપ્યું હોવાનું જાણવા મળ્યું હતું.
શિવસેનાના ૪૦થી વધુ વિધાનસભ્યો એકનાથ શિંદે સાથે હોવાનું કહેવાય છે ત્યારે મુંબઈને અડીને આવેલી મીરા-ભાઈંદર,કલ્યાણ-ડોમ્બિવલી,ભિવંડી-નિઝામપુર,નવી મુંબઈ,પનવેલ અને ઉલ્હાસનગર તેમ જ વસઈ-વિરારના ૪૦૦ જેટલા નગરસેવકો તેમની સાથે હોવાનું જાણવા મળ્યું હતું.આના પરથી લાગી રહ્યું છે કે વિધાનસભ્યો અને સંસદસભ્યોની સાથે હવે મહાનગરપાલિકાના સ્તરે પણ એકનાથ શિંદેને સમર્થન મળી રહ્યું છે.
મીરા-ભાઈંદરના કેટલાક નગરસેવકોએ‘મિડ-ડે’ને કહ્યું હતું કે‘૨૦૧૯ની વિધાનસભામાં બીજેપી સાથે યુતિમાં ચૂંટણી લડીને સ્પષ્ટ મેળવ્યા બાદ પણ મુખ્ય પ્રધાનપદ માટે ઉદ્ધવ ઠાકરેએ કટ્ટર વિરોધી પક્ષો એનસીપી અને કૉન્ગ્રેસ સાથે સરકાર બનાવી હતી ત્યારથી જ ઠાકરે પરિવાર સામે શિવસેનામાં આક્રોશ હતો.એકનાથ શિંદેથી લઈને બીજા વરિષ્ઠ નેતાઓએ પણ આ અકુદરતી યુતિ કરવા સામે વિરોધ વ્યક્ત કર્યો હોવા છતાં શરદ પવારની વાતમાં આવીને કે ખુરસીની લાલચમાં ઉદ્ધવ ઠાકરેએ મુખ્ય પ્રધાનપદ સ્વીકાર્યું હતું.
સરકારનાં અઢી વર્ષમાં એનસીપી અને કૉન્ગ્રેસ જ જાણે સરકાર ચલાવતા હોય એવું લાગતું હતું.એકનાથ શિંદે સક્ષમ નેતા છે અને તેમણે શિવસેનાને બચાવવા માટે જે હિંમત કરી છે એની સાથે નાનામાં નાનો શિવસૈનિક હોવાથી અમે પણ તેમને સમર્થન કરવાનો નિર્ણય લીધો છે.એક તરફ મુખ્ય પ્રધાન અને પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરે વરિષ્ઠ નેતાઓ અને પ્રધાનોની સતત અવગણના કરતા હોવાનો આરોપ એકનાથ શિંદે તેમ જ તેમના સમર્થકો કરી રહ્યા છે તો બીજી તરફ એકનાથ શિંદે પક્ષના નાનામાં નાના નેતાનું ધ્યાન રાખતા હોવાનું કહેવાય છે.
કલ્યાણ-ડોમ્બિવલી શહેરના ઉપાધ્યક્ષ રામ મિરાશીની તબિયત ખરાબ હોવાથી તેમને ૨૧ જૂને દિલ્હીના એઇમ્સમાં ઍડ્મિટ કરવામાં આવ્યા છે.આ વાતની જાણ થતાં બળવાના ટેન્શન વચ્ચે ગુવાહાટીમાં હોટેલમાં રોકાયેલા એકનાથ શિંદેએ ફોન કરીને રામ મિરાશીની તબિયતની પૃચ્છા કરી હોવાનું જાણવા મળ્યું હતું.એટલું જ નહીં,એઇમ્સના ડૉક્ટર સાથે તેમણે વાત કરી હોવાનું પણ સૂત્રોએ કહ્યું હતું.