વિધાનસભાના સચિવે એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે જૂથને નોટિસ મોકલીને સાત દિવસમાં જવાબ આપવા કહ્યું:ગટનેતા બાબતે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી વિધાનસભામાં શિવસેનાના ગટનેતા તરીકે એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે જૂથ દ્વારા પત્રો લખીને દાવો કરવામાં આવ્યો છે અને આ મામલો સુપ્રીમ કોર્ટમાં અવલંબિત છે ત્યારે મહારાષ્ટ્ર વિધાનસભાના સચિવે બંને પક્ષને નોટિસ મોકલીને સાત દિવસમાં જવાબ આપવા કહ્યું છે.શિવસેનાનાં બંને જૂથના ૫૩ વિધાનસભ્યોને કારણ બતાવો નોટિસ આપવામાં આવી છે,
જેમાં આદિત્ય ઠાકરે અને સંતોષ બાંગરને બાકાત રાખવામાં આવ્યા છે.મહાવિકાસ આઘાડી સરકારના સમયે એકનાથ શિંદે સહિતના ૩૯ વિધાનસભ્યોએ બળવો કર્યા બાદ ઉદ્ધવ ઠાકરે જૂથે તેમને વિધાનસભાના ગટ નેતાપદેથી હટાવીને અજય ચૌધરીની નિયુક્તિ કરી હતી.પક્ષના પંચાવનમાંથી ૩૯ વિધાનસભ્યો પોતાને પક્ષે હોવાનો દાવો કરીને એકનાથ શિંદે જૂથે તેમને જ ગટ નેતાપદે કાયમ રહેવા બાબતનો પત્ર વિધાનસભાના સચિવને મોકલ્યો હતો.બંને પક્ષની લડતમાં શિવસેના પર કોનો હક છે એ સ્પષ્ટ કરવા માટે આ નોટિસ મોકલી હોવાનું જાણવા મળ્યું હતું.
રાજ્યની વિધાનસભાના સચિવ રાજેન્દ્ર ભાગવતે સાત દિવસમાં જવાબ આપવાની નોટિસ મોકલી હોવાનું બંને પક્ષના વિધાનસભ્યોએ ગઈ કાલે કન્ફર્મ કર્યું હતું.વિધાનસભામાં એકનાથ શિંદે સરકારની ફ્લોર-ટેસ્ટ વખતે શિવસેનાના એકનાથ શિંદે જૂથ અને ઉદ્ધવ ઠાકરેના જૂથે પક્ષના તમામ વિધાનસભ્યોને મત આપવાનો વ્હિપ જાહેર કર્યો હતો.એકનાથ શિંદે જૂથે સરકારના પક્ષમાં તો ઉદ્ધવ ઠાકરે જૂથના વિધાનસભ્યોએ સરકારના વિરોધમાં મત આપ્યા હતા.આથી વિધાનસભામાં શિવસેના પર કોનો હક છે એનો ગંભીર સવાલ ઊભો થયો છે.આથી સચિવ રાજેન્દ્ર ભાગવતે પોતે કયા પક્ષે છે એ સ્પષ્ટ કરવા માટે શિવસેનાના ૫૩ વિધાનસભ્યોને કારણ બતાવો નોટિસ મોકલી હોવાનું કહેવાય છે.
વિશ્વાસનો મત મેળવી લીધા બાદ એકનાથ શિંદે જૂથે પોતાના વ્હિપનું ઉલ્લંઘન કરવા બદલ ઉદ્ધવ ઠાકરે જૂથના આદિત્ય ઠાકરે સિવાયના ૧૪ વિધાનસભ્યોને નોટિસ મોકલીને તેમને અપાત્ર કરવાની માગણી કરતો પત્ર વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકરને સોંપ્યો હતો.ફ્લોર-ટેસ્ટ પહેલાં વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકરે એકનાથ શિંદે જૂથના ભરત ગોગાવલેને પક્ષના પ્રતિનિધિ તરીકે માન્યતા આપી હતી અને ઉદ્ધવ ઠાકરે જૂથના સુનીલ પ્રભુને આ પદેથી હટાવી દીધા હતા.


