મુંબઈ : એકનાથ શિંદેએ બળવો કર્યા બાદ શિવસેનાના ૪૦ વિધાનસભ્યોએ ઉદ્ધવ ઠાકરેનો સાથ છોડી દીધો છે ત્યારે સોમવારે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં એનડીએના ઉમેદવારને સમર્થન આપવા બાબતે માતોશ્રીમાં બોલાવવામાં આવેલી બેઠકમાં શિવસેનાના સંસદસભ્યોએ એકનાથ શિંદે અને બીજેપી સાથે હાથ મેળવવાથી પક્ષને ફાયદો થવાનો મત વ્યક્ત કર્યો હતો.આ સિવાય તેમણે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં એનડીએનાં ઉમેદવાર દ્રૌપદી મુર્મુને જ સમર્થન આપવાની માગણી કરી હતી,જે ઉદ્ધવ ઠાકરેએ માન્ય રાખી છે.
જાણવા મળ્યું હતું કે ઉદ્ધવ ઠાકરેએ આ નિર્ણય લેતી વખતે પક્ષના રાજ્યસભાના સંસદસભ્ય અને મુખ્ય પ્રવક્તા સંજય રાઉતને વિશ્વાસમાં લીધા નથી.આથી એવું કહેવાય છે કે તેમને કોરાણે મૂકવાનો તખતો તૈયાર થઈ રહ્યો છે.મહાવિકાસ આઘાડીમાં એનસીપીના સૌથી વધુ વિધાનસભ્યો હોવાથી વિધાનસભામાં તેમને વિરોધ પક્ષનું પદ મળ્યું છે.વિધાનસભા બાદ હવે વિધાન પરિષદમાં વિરોધ પક્ષનું પદ મેળવવા માટે શિવસેના અને એનસીપી વચ્ચે રસ્સીખેંચ થઈ રહી હોવાનું જાણવા મળ્યું હતું.
વિધાન પરિષદમાં શિવસેનાના ૧૩ સભ્યો હોવા છતાં એનસીપી વિરોધ પક્ષના નેતાનો દાવો કરે એવી શક્યતા છે.એનસીપીનું કહેવું છે કે એની પાસે વિધાન પરિષદમાં સરકારના વિરોધમાં અવાજ ઉઠાવવા માટે એકનાથ ખડસે જેવા સરકારને ઘેરી શકે એવા નેતા છે.દરમ્યાન,શિવસેનાના વરિષ્ઠ નેતા સુભાષ દેસાઈએ રાજ્યપાલને એક પત્ર લખ્યો છે,જેમાં તેમણે સ્પષ્ટ કહ્યું છે કે એકનાથ શિંદેના નેતૃત્વમાં સ્થાપવામાં આવેલી નવી સરકાર ગેરકાયદે છે એટલે કોઈ પણ નવા પ્રધાનને શપથ ન લેવડાવતા.