મુંબઈ,તા.12 સપ્ટેમ્બર : યુપીની 2022ની વિધાનસભા ચૂંટણીમાં શિવસેનાએ ઝંપલાવવાનુ નક્કી કર્યુ છે.રાજ્યમાં 100 બેઠકો પર શિવસેના ચૂંટણી લડશે.
આ પહેલા ઓવૈસી પણ 100 બેઠકો પર પોતાના ઉમેદવારોને ચૂંટણી લડાવવાની જાહેરાત કરી ચુકયા છે.શિવસેના પ્રવક્તા સંજય રાઉતે કહ્યુ હતુ કે, શિવસેના રાજ્યમાં 100 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખવાની તૈયારી કરી રહી છે અને પાર્ટી ચૂંટણી માટે ગઠબંધન કરે તેવી પણ શક્યતા છે.
શિવસેનાના યુપી અધ્યક્ષ અનિલ સિંહે કહ્યુ હતુ કે, તમામ બેઠકો પર સંગઠનને મજબૂત કરવા માટે કો ઓર્ડિનેટરોની નિમણૂંક કરવામાં આવી રહી છે.રાજ્યનુ શિવસેનાનુ પ્રતિનિધિ મંડળ બહુ જલ્દી શિવસેના અધ્યક્ષ ઉધ્ધવ ઠાકરેને મળવા જશે.
2017ની ચૂંટણીમાં શિવસેના 50 બેઠકો પર ચૂંટણી લડી હતી.જોકે પાર્ટીને એક પણ બેઠક પર જીત મળી નહોતી.જ્યારે ઓવૈસીની પાર્ટી 38 બેઠકો પર ચૂંટણી લડી હતી અને તેને પણ એક પણ બેઠક મળી નહોતી.
બીજી તરફ યૂપી સરકારના પૂર્વ મંત્રી ઓમપ્રકાશ રાજભરે નાની પાર્ટીઓનો સંયુક્ત મોરચો તૈયાર કર્યો છે અને તેમણે દાવો કર્યો છે કે, વિધાનસભા ચૂંટણીમાં ઓવૈસી સિવાય શિવસેના,ટીએમસી અને આમ આદમી પાર્ટી અમારા મોરચામાં સામેલ થશે. આ તમામ પાર્ટીઓ ભેગી થઈને ચૂંટણી લડશે.
જોકે ઓવૈસીની એન્ટ્રીથી સમાજવાદી પાર્ટી માટે ખતરો છે.એવુ મનાય છે કે, સપાની મુસ્લિમ વોટબેન્કમાં ઓવૈસી ગાબડુ પાડશે.તો બીજી તરફ શિવસેના ભાજપની હિન્દુ વોટબેન્કને પ્રભાવીત કરશે કે નહીં તે જોવાનુ રહે છે.શિવસેના એવો દાવો તો કરી જ રહી છે કે, અયોધ્યા કાંડમાં શિવસેનાની મહત્વની ભૂમિકા રહી છે.