નવી દિલ્હી, તા. 15 માર્ચ 2022, મંગળવાર : કોમેડી કિંગ કપિલ શર્મા ઘણી વખત વિવાદોમાં ઘેરાયેલો રહ્યો છે.પરંતુ આ વખતે ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મના કારણે તે સતત ટ્રોલના નિશાના પર છે. હકીકતમાં ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મના ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ કપિલ શર્મા પર આરોપ લગાવ્યો હતો કે,કોમેડિયને પોતાના શોમાં તેમની ફિલ્મને પ્રમોટ કરવા માટે આમંત્રણ નહોતું આપ્યું.કપિલ શર્મા વિરુદ્ધ વિવેક અગ્નિહોત્રીના ટ્વિટ બાદથી કપિલ શર્મા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સતત ટ્રોલ થઈ રહ્યા છે.ઘણા યુઝર્સે તો કપિલ અને તેના શોને બોયકોટ કરવાની વાત પણ કરી નાખી હતી.હવે અનુપમ ખેરે આ સમગ્ર મામલે મૌન તોડ્યું છે અને દર્શકોને સત્ય જણાવ્યું છે.
અનુપમ ખેરે કપિલ પર લાગેલા આરોપોનું સત્ય જણાવ્યું
ધ કાશ્મીર ફાઈલ્સના સ્ટાર અનુપમ ખેરે એક ઈન્ટરવ્યું દરમિયાન જણાવ્યું હતું કે,ધ કપિલ શર્મા શોમાં ધ કાશ્મીર ફાઈલ્સને પ્રમોટ કરવા માટે 2 મહિના અગાઉ જ ઈન્વાઈટ કરવામાં આવ્યા હતા પરંતુ આ ફિલ્મ ખૂબ જ ગંભીર મુદ્દા પર બનાવવામાં આવી છે,તેથી તે આ શોનો ભાગ બનવા નહોતા માગતા.
અનુપમ ખેરને ઈન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યું હતું કે,કપિલ શર્મા શો એક કોમેડી શો છે,શું તમને લાગે છે કે તે માહોલ આટલા ગંભીર મુદ્દાને ડિસ્કસ કરી શકે છે? આ સવાલ પર અનુપમ ખેરે જવાબ આપ્યો હતો કે,ઈમાનદારીથી કહું તો મને શો માટે કોલ આવ્યો હતો પરંતુ મેં મારા મેનેજરને કહ્યું કે,આ ફિલ્મ ખૂબ જ ગંભીર છે તેથી હું ત્યા નહીં જઈ શકું.
અનુપમ ખેરે આગળ જણાવ્યું કે, હું મારી વાત અહીં મૂકવા માગુ છું.. આ 2 મહિના અગાઉની વાત છે મને ત્યાં બોલાવવામાં આવ્યો હતો પરંતુ મેં વિચાર્યું કે,હું આ શોમાં પહેલા પણ જઈ ચૂક્યો છું અને આ એક કોમેડી શો છે અને કોમેડી શો કરવા ખૂબ જ મુશ્કેલ છે.
અનુપમ ખેરે સ્પષ્ટ કર્યું કે,કપિલ શર્માએ તેમને શો માટે આમંત્રણ આપ્યું હતું,પરંતુ ફિલ્મનો મુદ્દો ઘણો ગંભીર છે અને શો કોમેડી પર આધારિત છે.એટલા માટે તેણે કપિલ શર્માના શોમાં કાશ્મીર ફાઈલ્સ જેવી ગંભીર ફિલ્મનું પ્રમોશન કરવાનું યોગ્ય ન માન્યું.