મધ્ય પ્રદેશ વિધાનસભાની 27 સીટો પર પેટાચૂંટણીના ભણકારાની વચ્ચે ગ્વાલિયર ચંબલ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીએ મોટુ ગાબડુ પાડ્યુ હોવાનો દાવો કરવામાં આવે છે.ભાજપની માનીએ તો,ગ્વાલિયર ચંબલમાં 3 દિવસ સુધી ચાલેલા મેગા સભ્યપદ અભિયાનમાં 76000થી પણ વધારે કોંગ્રેસી કાર્યકર્તાઓ ભાજપનું સભ્યપદ લઈ ચુક્યા છે.જો કે,ભાજપના આ દાવાને કોંગ્રેસે ફગાવી દીધા છે.
ગ્વાલિયર ચંબલમાંથી કોંગ્રેસી કાર્યકરો ભાજપમાં જોડાયા હોવાની વાત
ભાજપના પ્રદેશ અધ્યક્ષ વીડી શર્માએ પોતાના ટ્વીટમાં લખ્યુ છે કે,ગ્વાલિયર અને ચંબલ વિસ્તારની ચારેય લોકસભા સીટમાંથી 76,361 કોંગ્રેસી કાર્યકર્તા ભાજપમાં સામેલ થયા છે.જેમાંથી 18334 ગ્વાલિયર લોકસભા. 24989 મુરૈના લોકસભા,19563 ગુના લોકસભા અને 13475 ભિંડ લોકસભા વિસ્તારના કાર્યકર્તા કોંગ્રેસ છોડી ભાજપમાં સામેલ થયા છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને સીએમ શિવરાજ સિંહે આ તમામનું પાર્ટીમાં સ્વાગત કર્યુ છે.
આપને જણાવી દઈએ કે,ગત 22 ઓગસ્ટથી ભાજપના સભ્યપદ માટેના અભિયાનને લઈ સીએમ શિવરાજ સિંહ,જ્યોતિરાદિત્ય સિંધિયા તથા નરેન્દ્ર સિંહ તોમર આ વિસ્તારમાં અડ્ડો જમાવીને બેઠા છે.
પેટાચૂંટણી માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે !
મધ્ય પ્રદેશમાં જે 27 સીટો પર પેટાચૂંટણી થવાની છે,તેમાં ગ્વાલિયર ચંબલ વિસ્તાર સૌથી મહત્વનો છે.કારણ કે,પેટાચૂંટણીની સૌથી વધુ સીટ 16 ગ્વાલિયર ચંબલમાં આવે છે.બીજી સૌથી મોટી વાત એ છે કે,કોંગ્રેસમાંથી બળવો કરનારા જ્યોતિરાદિત્ય સિંધિયાનો આ વિસ્તાર છે.આ વિસ્તાર જ્યોતિરાદિત્ય સિંધિયાનો ગઢ માનવામાં આવે છે.પેટાચૂંટણી પહેલા જ કોંગ્રેસને માનસિક રીતે હરાવી દેવાનું ભાજપનું આ મેગા પ્લાન છે.કોરોનાકાળ હોવા છતાં પણ સાર્વજનિક આયોજન કરી કોંગ્રેસ કાર્યકર્તાઓને ભાજપમાં જોડી પાર્ટીમાં ખેંચી લાવવાનું કામ છેલ્લા 3 દિવસથી થઈ રહ્યુ હતું.