ગુજરાતમાં 1990 પછી ફરીવાર 2021માં હિન્દુત્વનું મોજું ફરી વળે તેવી સંભાવના છે.રાષ્ટ્રીય ભાજપના ઇશારે ગુજરાત પ્રદેશ એકમ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી સાથે રાજ્યમાં રામમંદિર માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ભાજપ કેન્દ્ર અને રાજ્યમાં સત્તામાં છે.તે ઇચ્છે તો રામમંદિર માટે રૂપિયા ભેગા કરવા અઘરા નથી.પરંતુ તે ઘરે ઘેર જઇને રામમંદિર માટે રૂપિયા ઉઘરાવશે.તેની પાછળનું કારણ છે કે દરેક વ્યકિતને એવું લાગે કે તેનો પણ રામમંદિરના નિર્માણમાં ફાળો છે.બીજી બાજુ લાખો મતદારોને પણ આ રીતે હિન્દુત્વ તરફ ખેંચી શકાય છે.અહીં રૂપિયાનું મહત્વ નથી પરંતુ લોકોને હિન્દુત્વ સાથે જોડવાની પ્રાથમિકતા છે.પછી મત તો ભાજપને જ મળે તે સ્વાભાવિક છે.આરએસએસ અને સંલગ્ન સંગઠનો દ્વારા રામ મંદિરને રાષ્ટ્રમંદિર તરીકે ઓળખાવાઇ રહ્યું છે.ગુજરાતમાં ઘણી જગ્યાઓ ઉપર ફંડ કલેક્શન માટેનો બોર્ડ પણ લાગી ગયા છે.
રામમંદિરના નિર્માણ માટે ભાજપ શાસિત રાજ્યોએ ફંડ આપવાની શરૂઆત કરી છે ત્યારે ગુજરાતમાં પણ લોકો પાસેથી ફંડ ઉઘરાવવાની પ્રક્રિયા શરૂ કરી દેવાઇ છે.ભાજપ દ્વારા જે ઉમેદવારી પસંદગી માટેના ફોર્મ આપવામાં આવ્યા છે તેમાં રામ જન્મભૂમિ તીર્થ માટેની નિધિમાં દાન આપ્યું છે કે નહીં તેવો સવાલ કરવામાં આવ્યો છે.દાન નહીં કર્યું હોય તો ટિકીટ નહીં મળે તેવું ફલિત થાય છે.
ભાજપના જે કાર્યકરો અને નેતાઓ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી લડવા માગે છે તેમણે રામ મંદિરના નિર્માણ માટે ફરજીયાત દાન આપવું પડશે, કારણ કે દાન આપ્યાં વિના કોઇપણ કાર્યકર કે નેતાને ટિકીટ મળવાની સંભાવના ઓછી છે. પરિણામ એવું આવ્યું છે કે સંભવિત ઉમેદવારોએ રામ મંદિર માટે દાન આપવાની શરૂઆત કરી છે.અત્યારે પાર્ટીના કાર્યકરો અને આગેવાનો દાન કરી રહ્યાં છે પરંતુ ગુજરાતની જનતા પાસેથી પણ રામ મંદિર માટે ફંડફાળો માગવાની તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે.તે માટે ફેબ્રુઆરીથી મોટું અભિયાન શરૂ થવાનું છે.
ગુજરાતમાં છ મહાનગરપાલિકા માટે 21મીએ મતદાન થશે અને 23મીએ પરિણામ જાહેર કરાશે,જ્યારે 31 જિલ્લા પંચાયતો, 231 તાલુકા પંચાયતો તેમજ 81 નગરપાલિકાઓ માટે 28મી ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે અને બીજી માર્ચ પરિણામ જાહેર થશે.આ ચૂંટણીમાં રામ મંદિરના નિર્માણ કાર્ય માટે ચૂંટણી સ્ટેટેજી બનાવવામાં આવે તેમ મનાય છે.એટલે કે ગુજરાતમાં ભાજપ આ સ્થાનિક ચૂંટણીમાં હિન્દુત્વના મુદ્દાને આગળ ધરીને મતદારોને મનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.


