ગુજરાતના મુખ્યમંત્રી પદેથી વિજય રૂપાણીએ અચાનક રાજીનામું આપીને સૌ કોઈને ચોંકાવી દીધા છે.એવામાં ગુજરાતના આગામી મુખ્યમંત્રી કોણ બનશે? તેને લઈને અટકળોનું બજાર ગરમ છે. એવામાં ઈન્ટરનેટ પર ઈન્સાયક્લોપેડિયા તરીકે ઓળખાતી વેબ સાઈટ વિકિપીડિયામાં સીઆર પાટીલના પેજની હિસ્ટ્રીને જોતા એક પ્રશ્વ અવશ્ય થાય કે, શું ભાજપના પ્રદેશ પ્રમુખ પહેલાથી જાણતા હતા કે વિજય રૂપાણી પૂર્વ મુખ્યમંત્રી થઈ જશે?
ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના વિકિપીડિયા પેજની હિસ્ટ્રી જોઈએ તો ખ્યાલ આવશે કે, વિજય રૂપાણીએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું એ પહેલા જ સીઆર પાટીલના વિકિપીડિયા પેજ ઉપર તેમને મુખ્યમંત્રી તરીકે દર્શાવવામાં આવ્યા હતા. જો કે અટકળોનો અંત લાવતા સીઆર પાટીલ ખુદ મીડિયા સમક્ષ આવ્યા હતા તેમણે નિવેદન આપ્યું હતું કે,હું મુખ્યમંત્રી પદની રેસમાં નથી.નવા મુખ્યમંત્રી પાર્ટી નક્કી કરશે.

હકીકતમાં વિજય રૂપાણી બપોરે 2 વાગ્યાની આસપાસ રાજભવન પહોંચ્યા હતા, જ્યાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને પોતાનું રાજીનામું સોંપ્યું હતું.જ્યારે સીઆર પાટીલના વિકિપીડિયા પેજ પર સવારે 10:46 કલાકના વર્ઝનમાં પ્રદેશ પ્રમુખને 17માં મુખ્યમંત્રી તરીકે દર્શાવવામાં આવ્યા હતા.જે બાદ લગભગ પોણા કલાક સુધી સીઆર પાટીલના વિકિપીડિયા પેજ પર તેમને મુખ્યમંત્રી તરીકે દર્શાવવામાં આવ્યા હતા.આ દરમિયાન 8 વખત સીઆર પાટીલના વિકિપીડિયા પેજને એડિટ કરવામાં આવ્યું હતું.જ્યારે 11:29 કલાકે પેજને જ્યારે એડિટ કરવામાં આવ્યું, ત્યારે ફરીથી પાટીલને ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે દર્શાવવામાં આવ્યા હતા.
આટલું જ નહીં, 11:29ના એડિટ વર્ઝનમાં ચોખવટ પણ કરવામાં આવી હતી કે, કોઈએ ખોટી રીતે સીઆર પાટીલને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે દર્શાવ્યા હતા.

2022 વિધાનસભા ચૂંટણી પહેલા રણનીતિનો ભાગ
ભાજપ 2022માં આવનારી આગામી વિધાનસભા ચૂંટણીમાં વિજયી પતાકા લહેરાવીને પુન: સત્તા હાંસલ કરવા માંગે છે.એવામાં કેન્દ્રીય સંગઠન મહામંત્રી બીએલ સંતોષ શનિવારે અચાનક ગાંધીનગર પહોંચ્યા,જ્યાં તેમણે પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ અને પ્રદેશ પ્રભારી સાથે બેઠક કરી હતી.જે બાદ વિજય રૂપાણી રાજ્યપાલને પોતાનું રાજીનામું આપવા માટે પહોંચ્યા હતા.મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ વિજય રૂપાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપનો આભાર વ્યક્ત કરતાં કહ્યું કે, પાર્ટી તેમને જે જવાબદારી સોંપાશે,તે તેઓ પૂર્ણ કરશે.

જણાવી દઈએ કે, વિકિપીડિયા વિશ્વની 300 ભાષાઓમાં ઉપલબ્ધ છે અને લગભગ 2.80 લાખ કન્ટેન્ટ પ્રોવાઈડર અને એડિટર તેની સાથે સંકળાયેલા છે. વિકિપીડિયાના ઉપયોગની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં પાંચમા ક્રમે છે.ભારતથી વિકિપીડિયાને દર મહિને 75 કરોડ પેજ વ્યૂ મળે છે.વિકિપીડિયા વિશ્વની ટોચની 15 વેબસાઈટોમાંથી એક છે.


