– યુદ્ધ કરતા તેનો ભય વધારે વિનાશકારક સેન્સેક્સ પાંચ સત્રમાં 841 પોઈન્ટ ઘટયો : રોકાણકારોની સંપત્તિ ઘટી : બ્રેન્ટ ક્રૂડ અઢી મહિનામાં 23 ટકા વધ્યું
અમદાવાદ : વૈશ્વિક અને ભારતીય શેરબજારમાં યુક્રેન ઉપર રશિયાના સંભવિત હુમલાથી ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.એક બાજુ રશિયા છે અને બીજી બાજુ અમેરિકા અને સાથી દેશો છે.આ ભયાવહ સ્થિતિથી પાંચ ટ્રેડીંગ સત્રથી ભારતીય શેરબજાર ઘટી રહ્યું છે અને સેન્સેક્સ 841 પોઈન્ટ ઘટી જતાં રોકાણકારોની સંપત્તિ (માર્કેટ કેપીટલાઈઝેશન) રૂ.7.02 લાખ કરોડ ઘટી ગયું છે.
બીજી તરફ,વિશ્વમાં ક્રૂડબજારમાં તંગ માંગ અને પુરવઠાની સ્થિતિ વચ્ચે કુલ ક્રૂડ ઉત્પાદનમાં 10 ટકા હિસ્સો ધરાવતા રશિયા જો યુદ્ધમાં ઉતરશે તો વધારે સ્થિતિ વણસે એવા ડરથી લંડન બજારમાં બ્રેન્ટ ક્રૂડનો ભાવ 99 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગયો હતો.ભારત પોતાની જરૂરીયાતના 77 ટકા ક્રૂડની આયાત કરે છે અને છેલ્લા અઢી મહિનાથી ભારતમાં ચુંટણીના કારણે પેટ્રોલ અને ડિઝલના ભાવ વધ્યા નથી.
છેલ્લે ભાવ નિર્ધારિત થયા ત્યારે ક્રૂડ ઓઈલ 8064 ડોલર હતું ક્રૂડના ભાવ જ 23 ટકા વધી ગયા હોય તો પેટ્રોલ અને ડિઝલના ભાવ તા.10 માર્ચે પાંચ રાજ્યોની ચુંટણીના પરિણામ પછી ફરી વધવા શરૂ થશે એટલે મોંઘવારી માઝા મુકશે અને ગ્રાહકો ઉપર બોજ વધશે એવી શક્યતા ઉભી થઇ છે.
દરમિયાન,અમેરિકન ડોલર સામે રશિયાનું ચલણ રૂબલ અઢી ટકા ઘટી 80ની પાંચ મહિનાની નીચી સપાટીએ પહોંચ્યું હતું.મોસ્કો એક્સચેન્જનો એમઓઈએક્સ ઇન્ડેક્સ સોમવારે 10.5 ટકા ઘટી બંધ આવ્યો હતો.


