અમદાવાદ : અમેરિકન ફેડરલના 0.75 ટકા વ્યાજદરના વધારાને પચાવનાર શેરબજાર યુરોપના ત્રણ મોટા દેશના વડાઓ યુક્રેન જવાના સમાચારે ભોંયભેગા થઈ ગયા હતા.ભારતીય શેરબજારની પણ આવી જ હાલત હતી.સેન્સેક્સ સવારના સત્રમાં આગલા બંધની સામે 600થી વધુ પોઇન્ટ સુધર્યા પછી છેલ્લે 1046 પોઇન્ટ ઘટીને 51,496ની વર્ષની નીચલી સપાટીએ ગબડ્યો હતો.ઇન્ટ્રા ડેમાં આંક વધ્યા મથાળેથી 1717 પોઇન્ટ તૂટ્યો હતો.નિફ્ટી 331.55 પોઇન્ટ ઘટીને 15,360.60 રહી હતી.
ઘટાડાને પગલે રોકાણકારોની મૂડી ~5.54 લાખ કરોડ સાફ થઈ હતી અને બજારનું માર્કેટ કેપિટલાઇઝેશન ~239.20 લાખ કરોડના સ્તરે રહ્યું હતું.બેન્ચમાર્ક ગત્ ઓક્ટોબરની સર્વોચ્ય ટોચ 62,245થી 17 ટકા ઘટ્યા છે અને જો 20 ટકા ઘટશે તો બજાર મંદીના ઝોનમાં પ્રવેસશે એમ એનાલિસ્ટોનું માનવું છે.સેન્સેક્સ પાંચ દિવસમાં 3,824 પોઇન્ટ ઘટ્યો હતો તો આ ગાળામાં રોકાણકારોની મૂડીમાં ~15.74 લાખ કરોડનું ધોવાણ થયું હતું.છેલ્લા પાંચ સેશનમાં ત્રણ વાર 1000થી મોટા કડાકા નોંધાયા હતા જે એપ્રિલ 2020 પછી પહેલીવાર બન્યું હતું.
અમેરિકન ફેડરલે 1994 પછી સૌથી વધુ 0.75 ટકાનો કરેલો વ્યાજદરમાં વધારો બજારની ધારણા અનુસાર રહેતાં અમેરિકાની સાથે એશિયન શેરબજારમાં અસર નહોતી.પરંતુ યુરોપના ત્રણ મોટા દેશો જર્મની, ઇટાલી અને ફ્રાંન્સના વડાઓ યુક્રેન જશે એવા અહેવાલ વહેતાં થતાં જ યુરોપના ફ્યુચર ગેપમાં નીચે ટ્રેડ થતાં તેમજ અમેરિકાનો ડાઉ જોન્સ ફ્યુચર પણ 500થી વધુ પોઇન્ટ નીચે બોલાતા ભારતીય શેરબજાર પર વ્રજઘાત થયો હતો.બધા જ સેક્ટોરલ આંક એકથી પાંચ ટકા સુધી તૂટ્યા હતા.મેટલ આંક સૌથી વધુ 5.2 ટકા તૂટીને વર્ષની સૌથી નીચી સપાટીએ સરક્યો હતો.ફેડરલ દ્વારા વૈશ્વિક ગ્રોથનો અંદાજ નીચો મૂકતા આઇટી શેરો તૂટ્યા હતા.આઇટી આંકની સાથે ઇન્ફોસિસ,વિપ્રો અને ટેક મહિન્દ્રા જેવી ટોચની કંપનીઓના શેરો વર્ષના તળિયે ગબડ્યા હતા.
સેન્સેક્સ શેરોમાં નેસલેને બાદ કરતાં 29 શેરો નીચા બંધ રહ્યા હતા જેમાં તાતા સ્ટીલ સૌથી વધુ નરમ હતો.છેલ્લા કેટલાક દિવસથી મિડ કેપ શેરોમાં વેચવાલીને કારણે મિડ કેપ આંક વર્ષની નીચી સપાટીએ સરક્યો હતો તો ટોચથી 20 ટકા ઘટતા તે મંદી તરફી બન્યો હતો.જ્યારે બેન્ક નિફ્ટી પણ ટોચથી 20 ટકા નીચે ટ્રેડ થતી હતી.બજારના ટેકનિકલ પેરામિટર નબળા રહેતાં તેજીવાળામાં નવી ખરીદીની હિંમત તૂટી ગઈ હતી.વૈશ્વિક બોન્ડ યીલ્ડ મલ્ટી-યર ઊંચાઇએ પહોંચતા વૈશ્વિક રોકાણકારોની ઇક્વિટીમાંથી એક્ઝિટ યથાવત રહી હતી.