– અદાણી ગ્રીન એનર્જી અને અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન દ્વારા જારી કરાયેલા બોન્ડની સ્થિતિ ગ્લોબલ માર્કેટમાં અત્યંત ખરાબ
– કંપનીઓ પાસે બોન્ડ ઈશ્યૂ કરીને પણ પૈસા એકઠાં કરવાનો વિકલ્પ હોય છે
નવી દિલ્હી, 2 ફેબ્રુઆરી, 2023, ગુરુવાર : અદાણી ગ્રૂપ માટે છેલ્લા કેટલાક દિવસો ભારે તણાવપૂર્ણ રહ્યા છે. હિન્ડેનબર્ગનો રિપોર્ટ જાહેર થયા બાદથી અદાણી ગ્રૂપની કંપનીઓના શેરોમાં ભારે ઘટાડાનો દોર યથાવત્ છે.હવે અદાણી ગ્રૂપ માટે વધુ એક માઠા સમાચાર આવ્યા છે.અદાણી ગ્રીન એનર્જી અને અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન દ્વારા જારી કરાયેલા બોન્ડની સ્થિતિ ગ્લોબલ માર્કેટમાં અત્યંત ખરાબ જણાઈ રહી છે.તેમાં પણ ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે.વિસ્તૃત માહિતી મેળવતા પહેલાં આપણે એ બોન્ડ વિશે સમજીએ કે તે છે શું?
બોન્ડ શું હોય છે?
જ્યારે કોઈ વ્યક્તિ એક કંપની શરૂ કરે છે તો તે તેની સંપૂર્ણ મૂડીનું રોકાણ કરવાની જગ્યાએ લોન લેવાનું પસંદ કરે છે.જ્યારે તે કંપની મોટી થઈ જાય તો તે આઈપીઓ કે એફપીઓના માધ્યમથી પૈસા એકઠાં કરવાનો પ્રયાસ કરે છે.આ સૌ ઉપરાંત કંપનીઓ પાસે બોન્ડ ઈશ્યૂ કરીને પણ પૈસા એકઠાં કરવાનો વિકલ્પ હોય છે.ઉદાહરણ તરીકે માની લો કે ૧૦૦૦ રૂપિયાની જરૂર છે.આવી સ્થિતિમાં મેં ૩ વર્ષ માટે ૧૦ બોન્ડ ૫ ટકાના વ્યાજે જારી કરી દીધા. લોકો પૈસા આપી બોન્ડ ખરીદી લે છે.તેનાથી કંપનીનું કામ પણ થઈ જાય છે અને લોકોને રિટર્ન પણ સારું મળે છે.
બોન્ડમાં પણ કડાકો
ટ્રેડ ડેટા અનુસાર અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન ૩.૩૭૫ ટકા બોન્ડ(જુલાઈ ૨૦૨૪માં તે મેચ્યોર થશે) સેકન્ડરી માર્કેટમાં સૌથી વધુ નીચે ગગડ્યો છે.કંપનીનો આ બોન્ડ સેકન્ડરી માર્કેટમાં ૨૦ સેન્ટ્સ ગગડી ૬૯.૭૫ સેન્ટ્સ પર આવી ગયો છે.સપ્ટેમ્બર ૨૦૨૪માં મેચ્યોર થનાર અદાણી ગ્રીન એનર્જીના ૪.૩૭૫ ટકા બોન્ડ ૧૨ સેન્ટ્સ ગગડી ૬૬.૭૫ સેન્ટ્સ પર આવી ગયો છે.જોકે અદાણી ગ્રીન એનર્જીની સ્થિતિ અન્ય બે કંપનીઓની તુલનાએ શ્રેષ્ઠ છે.તેમાં ૯ સેન્ટ્સનો ઘટાડો જોવા મળ્યો છે.જોકે તેમ છતાં અદાણી ગ્રીન અને અદાણી પોર્ટ્સના બોન્ડના યીલ્ડ ૩૦ ટકાની આજુબાજુ છે.જે બજારના સરેરાશ રિટર્ન સ્તરથી ખૂબ જ વધારે છે.ઉલ્લેખનીય છે કે અદાણી ગ્રૂપે બુધવારે રાતે જ એફપીઓ રદ કરવાની જાહેરાત કરી દીધી હતી.