વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે અમારા માટે વિકાસ એટલે કોઈ ચમકદમક નહીં પરંતુ ગરીબ,અનુસૂચિત જાતિ અને જનજાતિઓનું સશક્તીકરણ છે.વારાણસીના સંપૂર્ણાનંદ સ્ટેડિયમમાં ૧૭૭૪ કરોડ રૂપિયાના વિવિધ પ્રોજેક્ટના ઉદ્ઘાટન તેમ જ આધારશિલા રાખવાના કાર્યક્રમ દરમ્યાન વડા પ્રધાને કહ્યું હતું કે‘આજે વારાણસીમાં ૬૦૦થી વધુ પરિવારોને ઘર મળ્યાં છે.કાશીએ મને તેના સંસદસભ્ય તરીકેની સેવા કરવાની તક આપી હતી.તેમ જ કાશીના નાગરિકોએ બતાવી આપ્યું કે દેશવાસીઓ કે લોકોને મદદ કરવાનો કોઈ શૉર્ટકટ નથી.૨૦૧૪ દરમ્યાન બહારના લોકો પૂછતા હતા અહીં એટલી બધી ગેરવ્યવસ્થા છે કે સ્થિતિ કેવી રીતે સુધરશે? દાયકાઓ સુધી કંઈ જ થયું નથી.કંઈક આપી દેવાનો શૉર્ટકટ સહેલો છે પરંતુ વારાણસીએ સાચો માર્ગ બતાવ્યો,જેનાથી વર્તમાન તો સુધર્યો પરંતુ દાયકાઓ સુધી વારાણસીને લાભ થશે.’આ પ્રસંગે ઉત્તર પ્રદેશનાં ગર્વનર આનંદીબહેન પટેલ તથા મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ પણ હાજર હતાં.

