કોલકાતા, તા. 24 માર્ચ 2022, ગુરૂવાર : પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લાના બોગતૂઈ ગામમાં બાળકો અને મહિલાઓ સહીત આઠ લોકો સળગીને મરી ગયાની ઘટના સામે આવ્યા બાદ પશ્ચિમ બંગાળમાં બુધવારે રાજકારણ ગરમાયું હતું.અનેક રાજકીય પક્ષોના નેતાઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.આ દરમિયાન મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ ગુરૂવારે બીરભૂમની મુલાકાત કરી હતી.તેમના સ્વાગત માટે પાર્ટીના કાર્યકર્તાઓએ તોરણનો ગેટ બનાવ્યો હતો જેની ખૂબ જ નિંદા કરવામાં આવી રહી છે.ભાજપે કટાક્ષ કર્યો કે તમે શોક વ્યક્ત કરવા જઈ રહ્યા છે કે,જશ્ન મનાવવા?
બંગાળ બીજેપીએ પોતાના એક ટ્વિટમાં લખ્યું કે,મહિલાઓ અને બાળકોને સળગાવીને મારી નાખવામાં આવ્યા છે પરંતુ વહીવટી તંત્ર તપાસ કરવાના બદલે મમતાના સ્વાગતમાં હોર્ડિંગ લગાવી રહી છે.સૌથી મોટા નરસંહારની કાર્યવાહી કરવાને બદલે પોતાની જાતને પ્રોત્સાહન આપી રહ્યા છે.અમને બેશરમ પોલીસ મંત્રીના રાજીનામા જોઈએ.
બીજી તરફ બીજેપી આઈટી સેલના પ્રમુખ અમિત માલવીયાએ કહ્યું કે,બીરભૂમના રામપુરહાટમાં સ્થાનિક TMC યુનિટ એક બેશરમ મમતા બેનર્જીના સ્વાગત માટે તૈયાર છે.એવું માનવામાં આવી રહ્યું છે કે,તેઓ આ ભીષણ નરસંહારની તપાસ કરવા માટે મુલાકાત કરી રહી છે જેમાં તેમના શાસનના નજીકના લોકોએ ઘણી મહિલાઓ અને બાળકોને જીવતા સળગાવી દીધા હતા.આ ક્રૂર અને અમાનવીય છે.
મમતાએ શું કહ્યું ?
પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ બીરભૂમ હિંસામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને 5 લાખ રૂપિયાનો ચેક આપ્યો છે.અસરગ્રસ્ત ઘરોના પુન:નિર્માણ માટે લાખ રૂપિયાની આર્થિક સહાયની પણ જાહેરાત કરી છે.તેમણે કહ્યું કે,આગમાં મૃત્યુ પામનાર 10 લોકોના પરિવારને નોકરી અને 5 લાખ રૂપિયા આપવામાં આવશે.

