મુંબઈ : બોલિવુડમાં ફરી એક ડ્રગ કાંડ સામે આવ્યો છે.શ્રદ્ધા કપૂરનો ભાઈ અને શક્તિ કપૂરનો પુત્ર સિદ્ધાંત બેંગ્લુરુમાં એક પાર્ટીમાં ડ્રગ લેતાં ઝડપાયો હતો.પોલીસે તેના બ્લડ સેમ્પલમાં ડ્રગ સેવન કન્ફર્મ થયું હોવાનું જણાવ્યું છે.અભિનેતા સુશાંત સિંઘ રાજપુતના મોત બાદ બોલિવુડ ડ્રગ કેસ બહાર આવ્યો હતો.તેને બે વર્ષ થઈ રહ્યાં છે તેવા સમયે જ બોલિવુડમાં ફરી એક ડ્રગ કેસ બહાર આવ્યો છે.
બેગ્લુરુની હાલાસુરુ પોલીસે એમજી રોડ પર આવેલી એક ફાઈવ સ્ટાર હોટલમાં દરોડો પાડયો હતા પાર્ટીમાં ઝૂમી રહેલા ૩૫ લોકોના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યાં હતાં. તેમાં સિદ્ધાત સહિત છએ ડ્રગનું સેવન કર્યું હોવાનું જણાતાં તેમની ધરપકડ કરાઈ હતી.બેંગ્લુરુના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ ભીમશંકર એસ ગુલેડે પુષ્ટિ કરતાં જણાવ્યું હતું કે સિદ્ધાંતના લોહીના નમુનામાં તેણે ડ્રગનું સેવન કર્યાનું સાબિત થયું છે.તેને ઉલ્સુર પોલીસ મથકે લઈ જવાયો હતો.ત્યાંથી તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાશે એમ તેમણે કહ્યું હતું.સિદ્ધાંત સામે નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સિસ એક્ટની કલમ ૨૨એ,૨૨ બી,અને ૨૭ બી મુજબ ગુનો દાખલ કરાયો છે.
પોલીસને પાર્ટીમાંથી સાત એક્સ્ટેસી પિલ્સ તથા મારીજુઆનાનું એક પેકેટ મળી આવ્યું હતું.સિદ્ધાંત પાસેથી ડ્રગ મળ્યું ન હતું પરંતુ તેની આજુબાજુમાંથી ડ્રગ મળ્યું હતું.આ ડ્રગ ત્યાં કોણે મુક્યું હતું તે તપાસવા સીસીટીવી કેમેરાનો આધાર લેવાશે એમ પોલીસે જણાવ્યું હતું.અભિનેતા શક્તિ કપૂરે મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે પોતાને ટીવી ન્યૂઝ દ્વારા આ બનાવની જાણ થઈ હતી.પરંતુ,આવું બન્યું હોય એવું શક્ય નથી.સિદ્ધાંત ડિસ્કો જોકી તરીકે કામ કરે છે અને બેગ્લુરુમાં પણ તે એક પાર્ટીમાં ડિસ્કો જોકી તરીકે જ ગયો હતો.જે પાર્ટી પર દરોડો પડયો છે તે એ જ પાર્ટી છે કે નહીં તે હું જાણતો નથી.
સિદ્ધાંત છેલ્લેઅમિતાભ બચ્ચન અને ઈમરાન હાશ્મીની ચેહેરે ફિલ્મમાં દેખાયો હતો.આ ઉપરાંત તેણે ભાગમભાગ,ભૂલભૂલૈયા સહિતની ફિલ્મોમાં દિગ્દર્શક પ્રિયદર્શનના આસિસ્ટન્ટ તરીકે પણ કામ કર્યું છે.કન્નડા ફિલ્મ ઈંડસ્ટ્રીમાં આ અગા ૨૦૨૦માં મોટું ડ્રગ સ્કેન્ડલ બહાર આવ્યું હતું.અભિનેત્રી રાગિણી ત્રિવેદી સહિતના સેલેબ્સ ડ્રગ લેતાં પકડાયા હતા.એ કેસમાં બોલિવુડ અભિનેતા વિવેક ઓબેરોયનો સાળો આદિત્ય પણ ડ્રગ સેવનમાં ઝડપાયો હતો અને તેને શોધવા બેગ્લુરુ પોલીસે વિવેકના મુંબઈ ખાતેના ઘરે દરોડો પાડયો હતો.


