– શિવજીએ કાશીના બ્રાહ્મણોને આપ્યું અનોખું વરદાન
(લેખકઃ પ્રજ્ઞાચક્ષુ ડૉ. કૃણાલ જોષી) સ્કંદપુરાણમાં કાશીખંડના ઉત્તરાર્ધમાં શંકર ભગવાને કાશીના બ્રાહ્મણોને અતિ પ્રસન્ન થઈને જે વરદાન આપેલું છે તેનું વિસ્તૃતમાં વર્ણન કરવામાં આવ્યું છે.કાશીમાં મહાદેવજીના આગમનના સમાચાર જાણીને ત્યાં નિવાસ કરતા બ્રાહ્મણોએ હાથમાં ફળ,ફૂલ, અક્ષત અને દૂર્વા લઈને ભગવાન શંકરનો જય જયકાર કરીને વારંવાર તેમને પ્રણામ કરીને મંગલમય વૈદિક સુકતો દ્વારા મહાદેવજીનું સ્તવન કર્યું.
પ્રભુએ પ્રસન્નતા પૂર્વક તેમના કુશળતાના સમાચાર પૂછ્યા. જવાબમાં બ્રાહ્મણોએ કહ્યું કે ‘આ ક્ષેત્રમાં અમે સૌ કુશળ છીએ.જે આપના ક્ષેત્રથી વિમુખ છે તે જ સદાય માટે દુઃખી છે. જેનાં હૃદયમાં નિરંતર કાશીનું સ્મરણ હોય છે, તેના પર સંસારરૂપી સર્પના વિષનો કોઈ પ્રભાવ પડતો નથી.કાશી એ બે અક્ષરોનો મંત્ર છે અને આ મંત્ર ગર્ભની રક્ષા કરનારો મંત્ર છે.જેનાં કંઠમાં આ સ્મરણ નિરંતર ચાલે છે તેનું અમંગળ શક્ય નથી. જેના કાનોએ અમૃત સમાન કાશી મંત્રને સાંભળ્યો છે તે પછી કદી પણ ગર્ભવાસની કથા સાંભળતો નથી.કાશીથી દૂર રહીને પણ જે નિત્ય કાશીનું સ્મરણ કર્યા કરે છે તેની આગળ મુક્તિ સદાય પ્રકાશે છે.આ કાશીપુરી કલ્યાણ સ્વરૂપ છે.આપ તથા ગંગાજી પણ કલ્યાણ સ્વરૂપા છો.જગતમાં એવું બીજું કોઈ ક્ષેત્ર નથી જ્યાં ત્રણ કલ્યાણ મૂર્તિઓ નિવાસ કરતી હોય.’
કાશીની ભક્તિથી સંતુષ્ટ થયેલા બ્રહ્મણોના વચન સાંભળીને ભગવાન શંકરે બ્રાહ્મણોને જણાવ્યું કે, ‘તમે બધા ધન્યતાને પાત્ર છો.આ ક્ષેત્રનું સેવન કરવાથી તમે બધા રજોગુણ અને તમોગુણથી મુક્ત થઈ સત્વમય થઈ ગયા છો.તેથી તમે બધા સંસાર સમુદ્રમાંથી પાર થઈ ગયા છો.તે નિશ્ચય મારામાં અને મારા અંત:કરણમાં સ્થિત થાય છે.જે મનુષ્ય મારા ક્ષેત્રમાં રહીને મારી ભક્તિ કરીને મારા ચિન્હોને ધારણ કરે છે તેને હું ઉપદેશ આપું છું.પછી મહાદેવજી બ્રાહ્મણોને જણાવે છે કે તમારાં હૃદયથી ન તો હું કે ન તો કાશીપુરી દૂર છે. તમે તમારું ઈચ્છિત વરદાન માંગો.’
ત્યારે બ્રાહ્મણો કહે છે કે, ‘હે મહેશ્વર ! અમારી ઈચ્છા છે કે આપ કદી પણ આ ભવ-તાપ હરનારી કાશીપુરીનો ત્યાગ નહીં કરો.એ જ અમારું વરદાન છે.અહીં કાશીમાં બ્રાહ્મણોના વચનથી કદી પણ કોઈના ઉપર મોક્ષમાં વિઘ્ન નાંખનારો શાપ લાગુ ન પડે.આ શરીરના અંત સુધી અમે કાશીમાં જ નિવાસ કરીએ અને અમારી ભક્તિ આપના યુગલ ચરણોમાં રહે.આ સિવાય અમારે બીજું કાંઈ જોઈતું નથી.આપની ભક્તિથી પ્રભાવિત થઈને અમે આપના પ્રતિનિધિ સ્વરુપ જે લિંગોની સ્થાપના કરી છે તે સર્વમાં આપનો વાસ રહો.’ ત્યારે ભગવાન શંકરે પ્રસન્ન થઈ બ્રાહ્મણોને તેમનું ઈચ્છિત વરદાન આપ્યું.