નવી દિલ્હી, તા. 09 માર્ચ 2022, બુધવાર : શ્રીલંકા એક બહુચર્ચિત ભારતીય હાથીના મૃત્યુનો શોક મનાવી રહ્યું છે.આ હાથી લગભગ છેલ્લા 50 વર્ષોથી શ્રીલંકામાં રહી રહ્યો હતો.શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોતાબાયા રાજપક્ષેએ તેને ‘રાષ્ટ્રીય ખજાનો’ ગણાવ્યો હતો. 69 વર્ષની ઉંમરમાં ‘નાડુંગમુવા રાજા’ હાથીનું મૃત્યુ થઈ ગયું છે.
રાષ્ટ્રપતિએ ગણાવ્યો રાષ્ટ્રીય ખજાનો
નાડુંગમુવા રાજા કેન્ડી જિલ્લાના પેરાહેરા ઉત્સવ અને વર્ષના પવિત્ર સમારોહમાં ભાગ લેતો હતો. તેમના મૃત્યુ બાદ બૌદ્ધ પૂજારિયો સહિત અનેક લોકોએ વિદાય આપી છે.રાષ્ટ્રપતિ રાજપક્ષેએ અધિકારીઓને રાજાના મૃતદેહને ભાવિ પેઢીઓ માટે સાચવવાનો આદેશ આપ્યો છે.તેમણે હાથી રાજાને રાષ્ટ્રીય ખજાનો ગણાવ્યો છે.
રાજા હાથી મૈસૂરનો હતો
એક અહેવાલ પ્રમાણે, 1954માં રાજાનો જન્મ મૈસૂરમાં થયો હતો.રાજા હાથી મહારાજા જયચામરાજેન્દ્ર વાડિયારની પાસે રહેતો હતો.આયુર્વેદિક ચિકિત્સક ડૉ.હર્ષ ધર્મવિજયના જણાવ્યા અનુસાર રાજા જયચામરાજેન્દ્રએ બિમારીના ઈલાજ માટે નાડુંગમુવા રાજાને શ્રીલંકાના સાધુ ડૉક્ટરને ભેટમાં આપ્યો હતો.


