કોલંબો સહિત સમગ્ર પશ્ચિમ પ્રાંતમાં અચોક્કસ મુદત માટે કરફ્યુ લાદવામાં આવ્યો,પ્રદર્શનકર્તાઓની ભારતના પીએમને આ મામલે હસ્તક્ષેપ કરવાની અપીલ કટોકટીનો સામનો કરી રહેલા શ્રીલંકાએ ગઈ કાલે અચોક્કસ મુદત માટે દેશવ્યાપી કટોકટી જાહેર કરી હતી.કાર્યકારી રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમાસિંઘેના પ્રવક્તા દિનૌક કોલોમબગેએ કહ્યું હતું કે‘રાષ્ટ્રપતિ દેશની બહાર હોવાથી દેશમાં અત્યારની સ્થિતિને ડીલ કરવા માટે ઇમર્જન્સી જાહેર કરવામાં આવી છે.’
પોલીસે જણાવ્યું હતું કે તેમણે રાજધાની કોલંબો સહિત સમગ્ર પશ્ચિમ પ્રાંતમાં અચોક્કસ મુદત માટે કરફ્યુ પણ લાદ્યો હતો.શ્રીલંકામાં પ્રદર્શનકર્તાઓને ભારત પ્રત્યે ખૂબ અપેક્ષા છે.તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આ મામલે હસ્તક્ષેપ કરવાની અપીલ કરી છે.તેમણે સોશ્યલ મીડિયા પર આ અપીલ રજૂ કરી છે.દરમ્યાન,આ દેશમાં ગઈ કાલે સવારે વધુ એક વખત વિરોધ-પ્રદર્શનો થયાં હતાં.કોલંબોમાં રોષે ભરાયેલા ટોળાએ પીએમના નિવાસસ્થાનને ઘેરી લીધું હતું.પ્રદર્શનકર્તાઓએ તેમના રાજીનામાની માગણી કરી હતી.
સુરક્ષા દળોએ આ સિચુએશનને મોનિટર કરવા માટે હેલિકૉપ્ટરથી પેટ્રોલિંગ શરૂ કર્યું હતું.પોલીસે ટોળાને વિખેરવા માટે હવામાં ફાયરિંગ પણ કર્યું હતું.પ્રદર્શનકર્તાઓએ વિક્રમાસિંઘેને‘નિષ્ફળ વડા પ્રધાન’ગણાવ્યા હતા.એક સિનિયર પોલીસ ઑફિસરે કહ્યું હતું કે‘કોલંબોમાં વડા પ્રધાનની ઑફિસની બહાર વિરોધ-પ્રદર્શન ચાલી રહ્યું છે અને સિચુએશનને નિયંત્રણમાં લાવવા માટે કરફ્યુ લાદવામાં આવ્યો છે.’પોલીસ અને પ્રદર્શનકર્તાઓની વચ્ચે હિંસક અથડામણમાં ૧૨ જણને ઈજા પહોંચી હતી.આર્મીના જવાનોએ પીએમના નિવાસસ્થાનેથી ટોળાને વિખેરવા માટે ટીયર ગૅસના શેલ્સનો ઉપયોગ કર્યો હતો.