કોલોમ્બો : શ્રીલંકા હાલ ભયાનક આર્થિક કટોકટીની સાથે રાજકીય કટોકટીનો સામનો કરી રહ્યું છે.રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજાપક્સે ધરપકડના ભયે બુધવારે વહેલી સવારે ચૂપચાપ દેશ છોડીને ભાગી જતાં દેશભરમાં દેખાવકારોમાં આક્રોશ ફેલાયો હતો.છેલ્લા ચાર દિવસથી રાષ્ટ્રપતિ આવાસ પર કબજો જમાવનારા દેખાવકારોએ વડાપ્રધાન ઓફિસ પર કબજો કરતા દેખાવો હિંસક બન્યા હતા.બીજીબાજુ વિક્રમાસિંઘેએ કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે સત્તા સંભાળતા કટોકટી જાહેર કરી અને દેખાવો દબાવી દેવા સૈન્ય-પોલીસને ખુલ્લી છૂટ આપી છે.અંતે માલદિવ્સ ભાગેલા ગોટાબાયા રાજાપક્સેએ બુધવારે મોડી સાંજે રાષ્ટ્રપતિપદેથી રાજીનામું આપી દીધું હતું.
શ્રીલંકા સ્વતંત્રતા બાદની સૌથી ખરાબ આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યું છે ત્યારે દેખાવકારોએ ચાર દિવસથી રાષ્ટ્રપતિ આવાસ પર કબજો જમાવ્યો છે અને ગોટાબાયા રાજાપક્સેના રાજીનામાની માગણી કરી રહ્યા હતા.ગોટાબાયા રાજીનામું આપે પછી જ રાષ્ટ્રપતિ આવાસ ખાલી કરવાની દેખાવકારોની ચેતવણી વચ્ચે ૭૩ વર્ષીય ગોટાબાયા રાજાપક્સેએ અગાઉ બુધવારે રાજીનામું આપવાની જાહેરાત કરી હતી.
જોકે,દેશને આર્થિક કંગાલિયતમાં ધકેલવા બદલ ધરપકડના ભયે ગોટાબાયા બુધવારે વહેલી સવારે જ ૧૩ લોકો સાથે દેશ છોડી ભાગી ગયા હતા અને સરકારી વિમાનમાં માલદિવ્સ પહોંચ્યા હતા.ગોટાબાયાના ભાઈ બાસિલ રાજાપક્સે પણ પરિવાર સાથે દેશ છોડી ભાગી ગયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.આ સાથે ગોટાબાયાને ભગાડવામાં ભારતનો હાથ હોવાની શ્રીલંકામાં અફવા ફેલાઈ હતી,પરંતુ ભારતીય દૂતાવાસે આ અહેવાલોને આધારહિન ગણાવી ફગાવી દીધા હતા.
ગોટાબાયાના ભાગી છૂટયાના સમાચારો ફેલાતા દેખાવકારો ગુસ્સે ભરાયા હતા.તેમણે વડાપ્રધાન ઓફિસ પર પણ કબજે કર્યો હતો અને સંસદ તરફ કૂચ કરી હતી.તેમણે ગોટાબાયા રાજીનામું ન આપે ત્યાં સુધી વિરોધ પ્રદર્શન ચાલુ રાખવાનું જણાવ્યું હતું.દેખાવકારોએ રાનિલ વિક્રમાસિંઘેના રાજીનામાની પણ માગ કરી હતી.
બીજીબાજુ ગોટાબાયાએ દેશ છોડતા પહેલાં રાનિલ વિક્રમાસિંઘેની કાર્યકારી રાષ્ટ્રપતિપદે નિમણૂક કરી હતી તેમ સંસદના અધ્યક્ષ મહિન્દા યાપા અબેયવર્દનેએ જણાવ્યું હતું.તેમણે કહ્યું કે,નવા રાષ્ટ્રપતિની નિમણૂક માટે ૨૦મી જુલાઈએ મતદાન થશે.વિક્રમાસિંઘેએ સત્તા સંભાળતા જ દેશમાં કટોકટીની જાહેરાત કરી હતી અને પશ્ચિમી પ્રાંતમાં કરફ્યૂ લાદી દીધો હતો અને સૈન્ય તથા પોલીસને સરકાર વિરોધી દેખાવો ડામી દેવા માટે ખુલ્લી છૂટ આપી છે.ગુસ્સે ભરાયેલા ટોળાને વિખેરવા પોલીસે ટીયરગેસના શેલ છોડયા હતા અને પાણીનો મારો ચલાવ્યો હતો.
દેખાવકારોએ પીએમ ઓફિસની સાથે સરકારી ટેલિવિઝન ચેનલ રૂપાવાહિની પર પણ કબજો કર્યાના અહેવાલ હતા.થોડાક સમય માટે ચેનલનું પ્રસારણ અટકાવી દેવાયું હતું.આ સાથે અન્ય એક સરકારી ચેનલ પણ ઓફ-એર થઈ ગઈ હતી.જોકે,દેખાવકારોએ ચેનલ પર કબજો કર્યાના અહેવાલો ફગાવી દીધા હતા.તેમણે કહ્યું કે,અમે ચેનલની ઓફિસે પહોંચીને અધિકારીઓને અમારી વાત રજૂ કરવા વિનંતી કરી હતી. જેથી અમને ૧૫ મિનિટનો સ્લોટ ફાળવવામાં આવ્યો હતો.
દરમિયાન વિક્રમાસિંઘેએ એક ભાષણમાં શ્રીલંકાના સૈન્ય અને પોલીસને આદેશ આપ્યો કે તેઓ દેશમાં કાયદો વ્યવસ્થા લાગુ કરવા માટે શક્ય તમામ પગલાં લે.તેમને ખુલ્લી છૂટ આપવામાં ાવે છે.દેખાવકારોએ વડાપ્રધાન ઓફિસ પર હુમલો કરતાં વિક્રમાસિંઘેએ કહ્યું કે ફાસીવાદીઓને સત્તા પર હસ્તગત કરવા દઈ શકાય નહીં.બીજીબાજુ સંસદના સ્પીકરે બધા જ પક્ષોની ઈમર્જન્સી બેઠક બોલાવી હતી.
અગાઉ શ્રીલંકન એરફોર્સે ગોટાબાયાના ભાગી છૂટવા અંગે ખુલાસો કરતાં કહ્યું કે,રાષ્ટ્રપતિ ગોટાબાયા તેમના પત્ની અને બે સલામતી અધિકારીઓ સાથે સૈન્ય જેટમાં દેશ છોડી ગયા છે.સંરક્ષણ મંત્રાલયની મંજૂરી પછી જ તેમને વિમાન ફાળવાયું હતું.ગઈકાલે ગોટાબાયાએ નાગરિક વિમાનમાં દેશ છોડવાનો પ્રયત્ન કર્યો હતો,જે નિષ્ફળ ગયા પછી તેઓ મિલિટરી જેટમાં ભાગી ગયા હતા.આ ઘટનાના પગલે સૈન્યે એરફોર્સ,નેવી અને આર્મીના જવાનોની સુરક્ષા વધારી દીધી હતી.ગોટાબાયા વહેલી સવારે ૧૩ લોકો સાથે માલદિવ્સ ભાગી ગયા હતા અને ત્યાંથી તેઓ સાંજે સિંગાપોર રવાના થયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.


