શ્રીલંકામાં આર્થિક સ્થિતિ અત્યંત વિકટ બનતાં ગઈ કાલે વધુ એક વખત સામાન્ય લોકોનો રોષ જોવા મળ્યો હતો.રાજધાની કોલંબોમાં હજારો પ્રદર્શનકર્તાઓએ ગઈ કાલે રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્સેના સત્તાવાર નિવાસસ્થાન અને તેમના સચિવાલય ખાતે હલ્લાબોલ કરીને એના પર કબજો કર્યો હતો.શ્રીલંકા છેલ્લા સાત દસકમાં અત્યારે એના સૌથી વિકટ આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે અને એના લીધે મહિનાઓથી લોકો રોષ વ્યક્ત કરી રહ્યા છે.
દરમ્યાનમાં શ્રીલંકન વડા પ્રધાન રાનિલ વિક્રમાસિંઘેએ સર્વપક્ષીય સરકાર માટેનો માર્ગ મોકળો કરવા માટે રાજીનામું આપવાની તૈયારી દાખવી છે.શ્રીલંકામાં ભારે દેખાવોના પગલે કેવાં પગલાં લેવાં જોઈએ એ વિશે નિર્ણય લેવા માટે વિક્રમાસિંઘેએ પૉલિટિકલ પાર્ટીના અનેક નેતાઓની સાથે વાતચીત કરી હતી.તેમની ઑફિસ દ્વારા એક સ્ટેટમેન્ટમાં જણાવાયું હતું કે‘વિક્રમાસિંઘેએ પાર્ટીના નેતાઓને જણાવ્યું છે કે તેઓ વડા પ્રધાનપદેથી રાજીનામું આપવા અને સર્વપક્ષીય સરકાર સત્તાનું સુકાન સંભાળે એના માટે માર્ગ મોકળો કરવા ઇચ્છે છે.’પ્રદર્શનકર્તાઓએ પીએમનાં નિવાસસ્થાનને આગ લગાડી હતી
બીજી તરફ ભારે વિરોધ-પ્રદર્શનના કારણે શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્સેને ઉતાવળમાં દેશ છોડી દેવાની ફરજ પડી હોવાનું જણાવાઈ રહ્યું છે.સોશ્યલ મીડિયા પર કેટલાક વિડિયોઝમાં જોવા મળ્યું હતું કે કેટલાક લોકો એક નેવલ શિપમાં સામાન મૂકી રહ્યા છે.આવા એક વિડિયોને લોકલ ન્યુઝ વેબસાઇટ ડેઇલી મિરર દ્વારા શૅર કરવામાં આવ્યો હતો,જેની સાથે કૅપ્શન લખવામાં આવી હતી કે‘સોશ્યલ મીડિયા પર સર્ક્યુલેટ થઈ રહેલાં ફુટેજમાં દાવો કરવામાં આવ્યો છે કે રાષ્ટ્રપતિના લગેજને ઉતાવળમાં એક નેવલ શિપમાં મૂકવામાં આવી રહ્યો છે.’
હવે ગઈ કાલે કેટલાક પ્રદર્શનકર્તાઓએ શ્રીલંકાનો ધ્વજ અને હેલ્મેટની સાથે રાષ્ટ્રપતિના નિવાસસ્થાને ઘૂસી ગયા હતા.હજારો લોકો રાષ્ટ્રપતિના સચિવાલય અને નાણાં મંત્રાલયના દરવાજા પણ ખોલીને એમાં પ્રવેશ્યા હતા.મહિનાઓથી આ સ્થળે દેખાવો થઈ રહ્યા છે.પ્રદર્શનકર્તાઓની સંખ્યા એટલી વધારે હતી કે રાષ્ટ્રપતિના નિવાસસ્થાન તેમ જ સચિવાલય બન્ને જગ્યાએ આર્મીના જવાનો અને પોલીસ તેમને રોકી નહોતા શક્યા.પ્રદર્શનકર્તાઓ રાજપક્સેના રાજીનામાની માગણી કરી રહ્યા હતા.


